મહેસાણા: દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને મોટી ભેટ આપી છે. તારીખ 1 જાન્યુઆરીથી દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 750ના બદલે હવે 770 રૂપિયા ચૂકવાશે. દૂધસાગર ડેરીએ છેલ્લા ત્રેવીસ મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 120 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાથી 5 લાખ પશુપાલકોને લાભ થશે. આ ભાવ વધારાથી મહિને સાત કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે.
ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
ખેડૂતોના હિતમાં સીએમનો મોટો નિર્ણય કર્યો છે. પાણીની અછતના કારણે પાક ન લઇ શકતા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સૌની યોજના દ્વારાર સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના નીર ભરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયના પગલે અઢી લાખ એકર વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના 10 જિલ્લા મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે.
સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. ઉલ્લેખનિય છે કે, કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇનું પાણી પુરૂ પાડવાનો નિર્ણય લેવાયો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતની સમીક્ષા બાદ નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોને આપવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે, આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને કૃષિ મંત્રી રાધવજી પટેલ સાથે વિચાર વિમર્શ કરીને લેવાયો છે.
શું ગુજરાતમાં માસ્ક ફરજીયાત કરવામાં આવશે? જાણો આરોગ્યમંત્રીએ શું આપ્યું નિવેદન
ચીનમાં કોરોનાએ ફરી કહેર વર્તાવતા સમગ્ર વિશ્વમાં ગભરાહટનો માહોલ છે, કારણ કે બે વર્ષ પહેલા ચીનમાંથી જ કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. હાલમાં ચીનમાં રોજ લાખો કેસ સામે આવી રહ્યા છે જેને લઈને ભારત સરકાર પણ હરકતમાં આવી છે. ગઈકાલે પીએમ મોદીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તો આજે ગુજરાતમાં પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજી હતી.
કોરોનાની સંભવિત પરિસ્થિતિની સમીક્ષા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, વિશ્વની અંદર કોરોનાના વધતા કેશ અંગે દેશમાં ચિંતા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘણા અનુભવોમાંથી આપણે પસાર થયા છીએ. મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં માસ્ક ફરજીયાત કરવા અંગે તેમણે કહ્યું કે, કોરોનાથી બચવા જે પણ સાવચેતી રાખવાની જરૂર છે તે બધી સાવચેતી નાગરીકોએ રાખવી જોઈએ. આ ઉપરાંત સમીક્ષા બેઠક બાદ આગળ કેવા પ્રતિબંધો લાદવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હાલમાં કોઈએ વધુ ચિંતા કરવાની જરુર નથી તેમ આરોગ્યમંત્રીએ કહ્યું છે.