ધાનેરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં પણ વધી રહ્યું છે. બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ વધતા ધાનેરાના નેનાવા ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.


નેનાવા ગામે 5 કોરોનાના પોઝિટિવ કેસ આવતા લોકડાઉન આપી દેવામાં આવ્યું છે. ગામના સરપંચ તેમજ વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મેડિકલ, દૂધ ડેરી સિવાય તમામ દુકાનો બંધ રહેશે. 7 દિવસ માટે ગામમાં સ્વ્યભૂ બંધ પાળવા નિર્ણય કરાયો છે.

નોંધનીય છે કે, ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે પાટણના વરાણા, હિંમતનગરના હાથરોલમાં પણ લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. સાબરકાંઠાના ઈડર શહેરના વેપારીઓ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈડરના તમામ વેપારીઓએ એક સપ્તાહ સુધી એટલે કે સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

સાબરકાંઠાના ઈડર શહેરના કોરોના સંક્રમણને અટકાવવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈડરના તમામ વેપારી એસોસિએશનની બેઠક મળી હતી. વાસણ, કાપડ, મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચપ્પ એસોસીએશનની સ્વૈચ્છિક બેઠક યોજાઈ હતી. જેમાં વેપારીઓએ સ્વ્યંભૂ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઈડરમાં સોમવારથી શનિવાર સુધી એટલે કે એક સપ્તાહ સુધી તમામ દુકાનો બંધ રહેશે.

નોંધનીય છે કે, કોરોનાનું સંક્રમણ વધતા સાબરકાંઠાના એક ગામમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. હાથરોલ ગામમા 16 કોરોના પોઝિટીવ કેસ નોંધાતા એક સપ્તાહ માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.