મહેસાણાઃ મહેસાણા જિલ્લાની વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા ભારે નારાજગી જોવા મળી હતી. કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ ભાવેશ પટેલે કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી. ભાવેશ પટેલે કોંગ્રેસના નેતાઓ સામે ઉમેદવારી પસંદગીને લઈ નારાજગી વ્યક્ત કરી હતી.
મહેસાણા જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ અને પાટીદાર નેતા ભાવેશ પટેલે કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. ભાવેશ પટેલનું કહેવું છે કે જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે તે સેટિંગથી ઉમેદવારી પસંદગી કરાઇ છે જેને લઇને કોગ્રેસમાં નારાજગી છે.
કોંગ્રેસ બાદ NCP એ આ બેઠક પરથી બદલ્યા ઉમેદવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ બીજા તબક્કા માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ સીટ પર એનસીપી સાથે ગઠબંધન કર્યુ હોવાથી ત્યાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા નથી. જેમાં એક બેઠક અમદાવાદની નરોડા છે. આ બેઠક પર એનસીપીએ ઉમેદવાર બદલ્યા છે. એનસીપીએ આ બેઠક મપર નિકુલસિંહ તોરમને ટિકિટ આપી હતી. પરંતુ છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની પાડી દીધી હતી. નિકુલસિંહ કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી NCPમાંથી ચૂંટણી લડવી હોય તો રાજીનામું આપવું પડે તેમ હોવાથી તેમણે ચૂંટણી જંગમાં નહીં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. NCP સિંધી સમાજના મેઘરાજ દોડવાણીને ચૂંટણી લડાવશે.
સુરત બાદ AAP ને અહીં લાગ્યો મોટો ફટકો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે ત્ચારે સુરત બાદ હવે મહિસાગરમાં આમ આદમી પાર્ટીને ફટકો લાગ્યો છે. સંતરામપુર વિધાનસભાના સંગઠન મંત્રી બાબુભાઈ ડામોરે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ આજે અપક્ષ ઉમેદવારી નોંધાવશે. બાબુભાઈ ડામોરે આમ આદમી પાર્ટીમાંથી ટિકિટની માંગ કરી હતી. સંતરામપુર વિધાનસભા બેઠક ઉપર તેમને ટિકિટ ન મળતા આજે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે, તેઓ છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ હતા. Whatsapp દ્વારા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખને રાજીનામુ મોકલ્યું હતું. સંતરામપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી દ્વારા પર્વતભાઈ વાગડીયા ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપે કુબેરભાઈ ડીંડોર અને કોંગ્રેસ ગેંડાલભાઈ મોતીભાઈ ડામોરને ટિકિટ આપી છે