અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના (Guajrat Corona Cases) કેસોમાં જંગી વધારો થતાં સ્વૈચ્છિક લોકડાઉન (Self Lockdown) લાદવામાં આવી રહ્યું છે. આ યાદીમાં હવે ઉત્તર ગુજરાતનું મહેસાણા (Mehsana) પણ જોડાયું છે.


મહેસાણા શહેરમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન કોરોના કેસમાં સતત વધારો જોવા મળતાં દરરોજ બપોર પછી લોકડાઉન (Half Lockdown) લાદવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શનિવારે અને રવિવારે તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે.  મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ માટે રવિવાર નગરા પાલિકા અને વેપારી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં સોમવારથી મહેસાણા શહેરના તમામ બજારો બપોરના 2 વાગ્યા બાદ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.


આ પહેલાંની બેઠકમાં શહેરમાં કોરોના સંક્રમણ વધતું રોકવા માટે શનિવાર અને રવિવારે શહેરના તમામ બજારો સંપૂર્ણ પણે બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે કોરોનાના કેસો વધતા રહેતાં રવિવારે ફરી એક વાર નગરપાલિકા અને વેપારી  એસોસિએશનના તમામ પ્રમુખો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોમવારથી મહેસાણા શહેરના તમામ બજારો બપોરના 2 વાગ્યા બાદ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.  બજારો બંધ હોવાના કારણે લોકોની અવર જવર ઘટશે અને સંક્રમણ ઓછું થશે.   તમામ વેપારી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે બપોર બાદ તમામ બજારો બંધ કરવા તેમજ આ નિર્ણય 30 એપ્રિલ સુધી માન્ય રહેશે.   શનિવાર અને રવિવારના દિવસે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે.


આ બેઠકમાં તમામ એસોસિએશનના પ્રમુખો હાજર હતા.  વેપારીઓએ પાલિકાને રજૂઆત કરી હતી કે, અમે અમારા તમામ ધંધા બંધ કરીયે છીએ તો મોટા મોલ પણ બંધ થવા જોઈએ કારણ કે ભીડ તો મોલમાં પણ થવાની જ છે. આ કારણે  સંક્રમણમાં વધારો થવાનો જ તેથી મોલ પણ બંધ થવા જોઈને અને સ્વૈચ્છિક લોકડાઉનમાં મોટા મોલ પણ ભાગીદાર બને તેવું મહેસાણાના વેપારીઓ ઇચ્છી રહ્યા છે.


ગુજરાતમાં કોરોનાની સ્થિતિ


રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.. રાજ્યમાં કોરોના નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૨૭ હજાર એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે.