Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીને લઈને સત્તા પક્ષ બીજેપીએ ઉમેદવારો પસંદ કરવા માટે ચક્રોગતિ માન કરી દીધા છે. વિધાનસભાની વિવિધ બેઠક માટે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મહેસાણાની રાજનીતિમાં આવ્યો નવો વળાંક સામે આવ્યો છે. વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝાથી ટિકિટ માગી છે. ઋષિકેશ પટેલની દાવેદારીને પગલે ઊંઝા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. ઋષિકેશ પટેલે આજે ઊંઝાથી ટિકિટની માગ કરી છે. 


પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માગી ટિકિટ


મહેસાણા વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા આજે શરૂ થઈ હતી. સેન્સ પ્રક્રિયામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા. સેન્સ પ્રક્રિયામાં નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મેં મહેસાણા વિધાનસભામાં વિકાસના કામો કર્યા છે જેથી લોકોએ મને ઉમેદવાર બનાવવાની ઈચ્છા વ્યક્રત કરી છે. જેથી હું આજે વિધાનસભાની ટિકિટની માંગણી કરવા માટે આવ્યો છું. પક્ષ મને ટિકિટ આપશે તો હું મહેસાણા વિધાનસભાની ચૂંટણી લડીશ. તેમણે વધુમાં કહ્યું કે, દરેકને ટિકિટ માગવાનો હક છે. જેને પણ ટિકિટ આપશે તે ચૂંટણી લડશે. મે ટીકીટ માગી છે અને હું ચૂંટણી લડીશ. નીતિન પટેલ ઉપરાંત  નટુજી ઠાકોર, ગિરિશ રાજગોર, મનુભાઈ ચોકસીએ પણ ટિકિટ માગી છે. મહેસાણા વિધાનસભા સીટ પરથી 10 જેટલાં ઉમેદવારોએ ટિકિટ માગી છે.


ગોંડલ બેઠક પર બીજેપીની સેન્સ પ્રક્રિયા શરૂ


રાજકોટ જિલ્લાની સૌથી રસપ્રદ ગોંડલ બેઠક પર સેન્સ પ્રક્રિયામાં દાવેદારો પહોંચ્યા હતા. ભાજપનો ગઢ ગણાતી ગોંડલ બેઠક પર 2 ક્ષત્રિય આગેવાનો સામસામે આવી ચૂક્યા છે. જયરાજસિંહ જાડેજા જૂથ અને રીબડા જૂથ છે સામસામે છે. રીબડા જૂથ તરફથી રાજદીપ સિંહ જાડેજા, સહદેવ સિંહ જાડેજા, શશીકાંત રૈયાણી અને શ્વેતા પટેલએ દાવેદારી કરી છે. ગોંડલના સહકારી આગેવાન જયંતી ઢોલ રીબડા જૂથના સમર્થનમાં પહોંચ્યા હતા.


આ અવસરે જ્યંતી ઢોલએ કહ્યું, હું 40 વર્ષથી ભાજપમાં છું. પાર્ટી જેમને ટીકિટ આપશે તેમનું હું સમર્થન કરીશ. જયરાજસિંહ જૂથ તરફથી જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતા બા જાડેજા વર્તમાન ધારાસભ્ય છે. મોટી સંખ્યામાં ટેકેદારો સાથે જ્યોતિરાદિત્યસિંહ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર મસગ્ર સૌરાષ્ટ્રના રાજકારણની નજર રહેલી છે. હાલમાં આ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે.