કડીઃ કડી તાલુકાના એક ગામમાં નવ વર્ષની માસૂમ પુત્રી પોતાના પિતાની ક્રુરતાનો શિકાર બની હતી. ક્રુર પિતા પોતાની જ નવ વર્ષની બાળકી પર રાક્ષસ બનીને તૂટી પડ્યો હતો. પિતાએ બાળકીને લાતો મારી, ગરમ ચીપિયાથી ડામ આપ્યા હતા. એટલું જ નહીં બાદમાં નવ વર્ષની બાળકીને ઉંધી લટકાવીને માથે લોખંડની ફૂટપટ્ટી મારતા બાળકીને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા બાળકીના મામાએ ચાંદલોડિયા પહોંચીને બાળકીની કડી તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. સાથે જ બાળકીના મામાએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી જાણકારી અનુસાર,  અમદાવાદના ચાંદલોડિયામાં રહેતા જીતુભાઈના થોડા વર્ષો અગાઉ બાળકીની માતા સાથે લગ્ન થયા હતા. જો કે પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા થોડા વર્ષો અગાઉ છૂટાછેટા લીધા હતા. ત્રણ મહિના અગાઉ બાળકીને પરિવારની સમજૂતીથી તેના પિતા જીતુભાઈ રબારીને સોંપવામાં આવી હતી. જો કે તેમના કૌટુંબિક ભાઈએ ફોન કરીને બાળકી પર થતા અત્યાચારની વાત તેમના મામાને કરી હતી. બાળકીના મામા તાત્કાલિક તેમના ઘરે પહોંચી ગયા હતા અને બાળકી પર થયેલા અત્યાચારને જોઈને તેઓ પણ ચોંકી ગયા હતા. નવ વર્ષની માસૂમ બાળકીના આખા શરીરે ડામ અને મારના નિશાન હતા. બાળકીની આંખમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.  બાળકીએ પણ રડતા રડતા પોતાના પર થયેલા અત્યાચારની વાત તેમના મામાને જણાવી હતી. બાદમાં બાળકીના મામાએ નરાધમ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


ભરૂચમાં બ્રિજ નીચે પડ્યો હતો બિનવારસી થેલો, મહિલાએ ઉઠાવતા જ અંદરથી નિકળી બાળકી


Bharuch: ભરૂચ નજીક હાઇવે પરથી તરછોડાયેલ હાલતમાં દોઢ માસની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભરૂચ અંકલેશ્વરને જોડતા જુના સરદાર બ્રિજની નીચે એક નવો નકોર થેલો પડ્યો હતો. ત્યાથી પસાર થતા શાંતાબેન રાઠોડને થયું થેલો સારો છે કામ આવશે. આમ તેઓ જેવા થેલો લેવા ગયા ત્યાં થેલો ઉઠાવતાની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો. જેને કારણે શાંતાબેન ચોંકી ગયા હતા.


ત્યાર બાદ મહિલાએ થેલાની ચેઇન ખોલીને જોતાં અંદરથી અંદાજે દોઢ માસની બાળકી મળી આવી હતી. માસુમ બાળકીને શાંતાબેન રાઠોડે પોતાના હાથમાં લીધી અને બાળકીને રમાડીને તેણીને શાંત કરી બાળકીના મોઢાના ભાગે ખોડખાપણ હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે તેના માતા પિતાએ તેને તરછોડી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે. 


માસુમ બાળકીને નેશનલ હાઈવે ઓથોરિટીની ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ બાળકીની સારવાર કરવામાં આવી રહી છે. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને માસૂમ બાળકીને તરછોડી દેનાર વાલીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.