હિંમતનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે, ત્યારે હવે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા ગઈ કાલે ઉત્તર ગુજરાતના બે ગામોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ બે ગામોમાં પાટણના વરાણા અને હિંમતનગરના હાથરોલનો સમાવેશ થાય છે.
હાથરોલ ગામમા ૧૬ કોરોના પોઝિટીવ કેસ નોધાતા એક સપ્તાહ માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાથરોલ ગામમા અવરજવર અને દુકાનો બંધ કરી દેવાઈ છે. ગ્રામ પંચાયત દ્રારા કોરોનાને લઈ સાવચેતી દાખવવા નિર્ણય લેવાયો છે. ગ્રામ પંચાયત દ્વારા લોકોને ઘરે જ રહેવા અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં પોશીના, ખેડબ્રહમા, વડાલી, પુંસરી અને તખતગઢ બાદ હવે હાથરોલ પણ લોકડાઉન જાહેર કરાયું છે.
ખોડિયારધામ વરાણામાં એક સાથે કોરોનાના 8 કેસ આવતાં મંદિર અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે. 9મી ઓક્ટબર સુધી બજારો બંધ રાખવા ગ્રામ પંચાયતે નોટિસ જારી કરી છે. વરાણા ગ્રામ પંચાયતે દુકાનદારોને નોટિસો આપી દુકાનો બંધ કરાવી છે. જોકે, સવારે 2 કલાક અને સાંજે 2 કલાક દુકાનો ખુલ્લી રાખવા છૂટ આપી છે. શ્રી ફળ ચૂંદળીની દુકાનો, પાન મસાલાના ગલ્લા, ઠંડા પીણાંની દુકાનો , શાકભાજી સહિત કરીયાણાની દુકાનો આજથી દિવસ દરમ્યાન બંધ રાખવા કડક સૂચના આપવામાં આવી છે.
હુકમનું પાલન નહીં કરનાર દુકાનદાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં સૂચના આપવામાં આવી છે. કેસો વધતાં વેપારીઓએ ગ્રામપંચાયતના નિર્ણયને આવકારી દુકાનો બંધ રાખવા સહમત થયા છે.
કોરોનાનું સંક્રમણ વધતા ઉત્તર ગુજરાતના કયા બે ગામોમાં લગાવી દેવાયું લોકડાઉન? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2020 08:24 AM (IST)
પાટણ જિલ્લાના વરાણા અને સાબરકાંઠાના હાથરોલમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -