Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં જબરદસ્ત જંગ જામ્યો છે, ઠેર ઠેર કાર્યકરો અને નેતાઓ પ્રચાર કરી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ હવે સીધા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા જગદીશ ઠાકોરે ભાજપ અને પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. જગદીશ ઠાકોરે આરોપ લગાવતા કહ્યું છે કે, આ ચૂંટણીમાં ગરબડી થવાની જ છે, અને પોલીસની ગાડીઓમાં જ દારૂની હેરફેરા થશે.


ચૂંટણી સભાઓમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામને આક્ષેપો કરી રહ્યાં છે. હાલમાં જ એક સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરે ભાજપ અને પોલીસ બન્નેને આડેહાથે લીધી છે, આ પહેલા ગેનીબેન ઠાકોરે પણ ભાજપની સાથે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ લોકસભા ચૂંટણીમાં ગરબડીને લઇને કોંગ્રેસ નેતાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. જગદીશ ઠાકોરે શાસક પક્ષ અને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે, ને કહ્યું કે, આ વખતે પોલીસની ગાડીઓમાં જ લાલ-લીલું પાણી ઠલવાશે. ચૂંટણી જીતવા માટે ભાજપ પોલીસની ગાડીઓમાં લાલ-લીલું પાણી મોકલશે. ગુજરાતમાં અત્યારે દારૂબંધી છે, પરંતુ દારૂબંધીની વાતો કરનારાઓ જ દારૂની પેટીઓ ચૂંટણીમાં ઉતારશે. લોકોને રૂપિયા આપશે, બે-ચાર દિવસ નશામાં રાખશે અને મત લેશે. ગુજરાતમાં આગામી 7મે તમામ 26 બેઠકો પર એક જ દિવસે મતદાન યોજાવવાનું છે, ત્યારે આ પ્રકારના ગંભીર આક્ષેપોની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. 


કોંગ્રેસે આ નેતાને બનાવ્યા દિલ્હી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ


કોંગ્રેસે અરવિંદર સિંહ લવલીના રાજીનામા બાદ મંગળવારે (30 એપ્રિલ) ના રોજ દેવેન્દ્ર યાદવને દિલ્હી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. લોકસભા ચૂંટણી વચ્ચે અરવિંદર સિંહ લવલીએ રવિવારે પોતાની જ પાર્ટીની કામગીરી પર સવાલ ઉઠાવતા રાજીનામું આપ્યું હતુ. દેવેન્દ્ર યાદવ હાલમાં પંજાબ કોંગ્રેસના પ્રભારી છે અને વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી પણ તેઓ આ પદ પર યથાવત રહેશે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં સાથે મળીને લડી રહ્યા છે જ્યારે પંજાબમાં તેઓ સામસામે લડી રહ્યા છે. નોંધનીય છે કે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપતા અરવિંદર સિંહ લવલીએ કહ્યું હતું કે દિલ્હી યુનિટના વિરોધ છતાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કર્યું હતું.


અરવિંદર સિંહ લવલીએ શું કહ્યું?


શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવેલા તેમના રાજીનામાના પત્રમાં લવલીએ કહ્યું કે, "તે પોતાને અસહાય અનુભવી રહ્યા હતા." તેનું કારણ એ હતું કે કોંગ્રેસના દિલ્હી પ્રભારી દીપક બાબરિયા દિલ્હી યુનિટના વરિષ્ઠ નેતાઓ દ્વારા સર્વસંમતિથી લેવામાં આવતા તમામ નિર્ણયો પર રોક લગાવતા હતા.આ સાથે લવલીએ સ્પષ્ટ કર્યું કે તે અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. લવલીના રાજીનામા બાદ દેવેન્દ્ર યાદવનું નામ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સામે આવ્યું હતું. તેની સાથે રાજેશ લિલોઠીયાનું નામ પણ રેસમાં હતું.


કોણ છે દેવેન્દ્ર યાદવ?          


દેવેન્દ્ર યાદવ દિલ્હીની બાદલી સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2008 અને 2013ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્ય પણ છે. દિલ્હીની તમામ 7 લોકસભા સીટો પર છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. અહીં કોંગ્રેસ-આપ ગઠબંધનનો ભાજપ સાથે મુકાબલો છે. ભાજપ સતત બે ચૂંટણીઓથી અહીં તમામ સાત બેઠકો જીતી રહ્યું છે.