Lok Sabha Election: રાજ્યમાં ઠેર ઠેર ભાજપનો વિરોધ થઇ રહ્યો છે, ક્યાંક રૂપાલા મુદ્દે તો ક્યાંય ઉમેદવારને લઇને કાર્યકરો નારાજ છે, હવે ભાજપના જ કાર્યકરો ભાજપની વિરૂદ્ધમાં દેખાઇ રહ્યાં છે. ભાજપે આ બધાની વચ્ચે જ્યાં જ્યાં વિરોધના સૂર ઉઠી રહ્યાં છે ત્યાં ભાજપમાં રહેલા સામાજિક નેતાઓને ડેમેજ કન્ટ્રૉલ માટે મોકલવાના શરૂ કર્યા છે. તાજેતરમાં જ મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો ભાજપથી ખુબ જ નારાજ છે, અને હવે આ મામલે સમાધાન કરાવવા માટે ભાજપે ક્ષત્રિય નેતા અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. હાલમાં જ અલ્પેશ ઠાકોરે કડી અને બહુચરાજીના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી છે. 


રાજ્યમાં ઠેર ઠેર ભાજપના નેતાઓનો વિરોધ થઇ રહ્યો છે, આગામી 7મેએ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર એકજ દિવસે લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવવાનું છે. ત્યારે આ પહેલા ભાજપે ડેમેજ કન્ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધું છે. તાજા રિપોર્ટ પ્રમાણે, ભાજપે ક્ષત્રિય ઠાકોર સમાજને સમજાવવા અને મનાવવા માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે હવે ક્ષત્રિયોને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. બહુચરાજી અને કડી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે અલ્પેશ ઠાકોરે બેઠક યોજી હતી, જેમાં ક્ષત્રિય સમાજની નારાજગી દુર કરવાના પ્રયાસો કરાયા હતા. અલ્પેશ ઠાકોરે આ બેઠકમાં ક્ષત્રિય આગેવાનોને સમજાવતા કહ્યું હતુ કે, દેશમાં નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે, તેઓ વિકાસ અને ધર્મનું યુદ્ધ લડી રહ્યાં છે, તેમનો સાથ આપવો જરૂરી છે. આ વિસ્તારની દિશા, દશા શું હતી એ દિવસો ના ભૂલવા જોઇએ. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, પહેલા પાણી, રૉડ-રસ્તા, લાઈટની સમસ્યાઓ હતી, નરેન્દ્ર મોદીએ રાજ્યની અનેક સમસ્યાઓ દુર કરી છે, ગુજરાતમાં ખૂનખરાબા થતા હતા એ દિવસો ભુલાય નહીં. અમદાવાદમાં તોફાનો થતા એ દિવસો ભુલાય નહીં. આ તમામ સમસ્યાઓ ભાજપના રાજમાં જ દૂર થઇ છે. 


દેશમાં પ્રથમ બે તબક્કામાં ઓછા મતદાનથી ચિંતા, અમિત શાહે આંકલન કરતાં શું કહ્યું, જાણો


રાજ્યમાં પ્રથમ બે તબક્કામાં મતદાન યોજાઇ ચૂક્યુ છે. દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને માહોલ જામ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બધાની વચ્ચે મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે. અમિત શાહે દેશમાં થઇ રહેલા ઓછા મતદાનને લઇને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન પર નિશાન તાક્યુ છે. અમિત શાહે તાજેતરમાં જ એક જનસભાને સંબોધતા કહ્યું કે, ઓછા મતદાનથી કોંગ્રેસના સૂપડા સાફ થઇ રહ્યાં છે. હાલમાં દેશમાં સરેરાશ 64 ટકા જેટલું મતદાન થયુ છે.


દેશમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. કેન્દ્રીય નેતાઓ હવે ગુજરાતમાં આવ્યા છે. આગામી 7મી મેએ ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવવાનું છે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પુરજોશમાં પ્રચારમાં ઉતર્યા છે. ગઇકાલે અમિત શાહે એક જનસભાને સંબોધતા કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ટીમ પર આકરા પ્રહારો કર્યા હતા. દેશમાં હાલમાં જ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. આ બે તબક્કામાં થયેલા ઓછા મતદાન પર હવે અમિત શાહનું આંકલન સામે આવ્યું છે. અમિત શાહે જનસભામાં કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનને આ ઓછા મતદાનથી મોટુ નુકસાન વેઠવું પડશે. બે તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીના સુપડા સાફ થઇ રહ્યાં છે. એક તરફી મતદાનથી પ્રથમ બે તબક્કામાં મતદાન ઘટ્યુ છે. ખાસ વાત છે કે, પ્રથમ તબક્કામાં સરેરાશ 64 ટકા જેટલુ મતદાન થયુ હતુ. જોકે, બીજા તબક્કામાં પણ આંકડો સરેરાશ 61 ટકા મતદાન પર પહોંચ્યો હતો.