મહેસાણા: 1 ઓગસ્ટ 2018નાં રોજ GAD દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને રદ્દ કરવા SC, ST અને OBCની યુવતીઓ છેલ્લા 68 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે. તેમાં 23 દિવસથી 7 યુવતીઓ અને બંધારણીય અધિકાર આંદોલન સમિતિ સત્યાગ્રહનાં હસમુખ સક્સેના તથા 72 કલાક માટે કોંગ્રેસના 3 MLA પ્રતિક આમરણાંત ઉપવાસ પર ઉતર્યાં છે. બીજી બાજુ આ અંગે BAAS દ્વારા મહેસાણા બંધની જાહેરાત કરવામાં આવી છે. આજે સવારથી આ બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.


આજે સવારથી મહેસાણા બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક જગ્યાએ દુકાનો ચાલુ છે તો ક્યાંક બંધ છે. જે દુકાનો ચાલુ છે તેને આંદોલનકારીઓ બંધ કરાવી રહ્યાં છે.

બંધનાં પગલે કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહેસાણામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહિલા અને પુરુષ પોલીસ બંન્ને મહેસાણાનાં વિવિધ વિસ્તારોમાં સુરક્ષા કરી રહી છે.

નોંધનીય છે કે, LRDની પરીક્ષામાં અનામત વર્ગ અને બિન અનામત વર્ગ સામ-સામે આવી ગયો છે. અનામત વર્ગની માંગ છે કે, 1 ઓગસ્ટ 2018નાં રોજ GAD દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને રદ્દ કરવા આવે તો બિન અનામત વર્ગ આ પરિપત્રમાં કોઇ સુધારો ન કરવા આંદોલન પર ઉતર્યો છે.