મહેસાણા ડેરી કૌભાંડઃ વિપુલ ચૌધરીએ કેવી ચાલાકી વાપરીને પોતે જમા કરાવવાના થતા 9 કરોડ રૂપિયાનો બારોબાર ખેલ પાડ્યો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Dec 2020 10:29 AM (IST)
સાગર દાણ કૌભાંડમાં દૂધ ઉત્પાદક સંઘને થયેલું નુકસાન ભરવા સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીને આદેશ આપ્યો હતો.
(ફાઈલ તસવીર)
મહેસાણાઃ મહેસાણા દૂધ સાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમની ફરિયાદ પ્રમાણે વિપુલ ચૌધરીએ ચાલાકીપૂર્વક આખું કૌભાંડ કર્યું હતું. સાગર દાણ કૌભાંડમાં દૂધ ઉત્પાદક સંઘને થયેલું નુકસાન ભરવા સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીને આદેશ આપ્યો હતો. આ નુકસાનની રકમ વિપુલ ચૌધરીએ ડેરીના કર્મચારીઓ પાસે ભરાવડાવી હતી. એ માટે તેમણે પહેલાં કર્મચારીઓને એક વધારાનો પગાર આપીને આ રકમ પાછી લઈને ડેરીમાં નાણાં જમા કરાવીને કૌભાંડ કર્યું હતું. સીઆઈડી ક્રાઈમની ફરિયાદમાં અપાયેલી વિગતો પ્રમાણે વિપુલ ચૌધરી જ્યારે મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન હતા ત્યારે શરદ પવાર કેન્દ્રના કૃષિમંત્રી હતા. આ સમયે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી.એ વખતે મહેસાણાની દૂધસાગર ડેરીએ ઠરાવ કર્યા વિના સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલ્યું હતું. આ સાગરદાણની રૂપિયા 22.50 કરોડની રકમ ફેડરેશને આપવાની ના પાડી દીધી હતી. ઠરાવ થયેલો ન હોવાથી ફેડરેશને આ રકમ આપવાનો ઈન્કાર કરતાં મામલો ટ્રિબ્યુનલ કોર્ટમાં પહોંચ્યો હતો. ટ્રીબ્યુનલ કોર્ટે તા.29-7-2018ના રોજ રૂપિયા 22.50 કરોડના નુકસાનમાંથી 40 ટકા રકમ એટલે કે 9 કરોડ રૂપિયા મહેસાણા જિલ્લા સંઘમાં જમા કરાવાનો હુકમ કર્યો હતો. ચૌધરીએ આ રકમ જમા કરાવવા માટે કર્મચારીઓને પગાર અને બોનસ આપ્યા હતા. નાણાંની ભરપાઈ કરવા હાલના ચેરમેન આશાબેન ઠાકોર, વાઈસ ચેરમેન મોઘજીભાઈ પટેલ, એમડી એન.જે.બક્ષીની સાથે મળીને યોજના બનાવી હતી. આ યોજના પ્રમાણે ડેરીના 30 જેટલા અધિકારીઓને સામેલ કરી 1932 કર્મચારીઓના ખાતામાં ડબલ પગાર જમા કર્યો હતો. આ રીતે કુલ 14 કરોડ રૂપિયા કર્મચારીઓ પાસેથી રોકડમાં પરત લઈ ટ્રીબ્યુનલ કોર્ટમાં જમા કરાવ્યા હતા. કેટલાક કર્મચારીઓએ આ અંગે રાજ્ય સરકારને કરતાં આ અંગેની ફરિયાદ મહેસાણા બીડીવીઝનમાં નોંધાઈ હતી. એ પછી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને તપાસ સોંપાઈ હતી. જેમાં કલમ 409, 120 (બી), 408, 114 તેમજ ભ્રષ્ટાચાર નિવારણની કલમો ઉમેરી 30 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો લીધા હતા. નિવેદન લેવાયા બાદ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી રહે.પંચશીલ ફાર્મ, કે-7, સેક્ટર-26 ગાંધીનગરથી ધરપકડ કરી હતી. મંગળવારથી ધનુર્માસનો પ્રારંભ, જાણો કેમ ધનુર્માસમાં શુભ કાર્યો નથી કરાતાં ? કયું અતિ વિનાશક યુધ્ધ ધનર્માસમાં થયેલું ? મોદી આવતી કાલે કચ્છ આવશે, જાણો કેટલા કલાક રોકાશે ? ક્યારે થશે આગમન ને ક્યારે વિદાય લેશે ? શાનું લોકાર્પણ કરશે ? ખેડૂતોના આંદોલનને દબાવવા માટે દિલ્હી સરહદે લશ્કર ઉતારવામાં આવ્યું ? જાણો મોદી સરકારે શું કહ્યું ?