Mehsana: મહેસાણા જિલ્લામાં ઓરીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં વડનગરના મોલીપૂર અને કડીમાં ઓરીના કેસો વધ્યા છે. જેનું મુખ્ય કારણ કોરોના કાળમાં રસીકરણમાં પડેલા વિક્ષેપને કારણે ઓરીનું તે સમયે રસીકરણ થઈ શક્યું નહોતું તેવું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. હાલમાં જ વડનગરના મોલીપુર શંકાસ્પદ 91 ઓરીના કેસ અને કડીમાં 50 કેસ મળી આવ્યા છે. સામાન્ય રીતે 6 વર્ષના બાળકોને બદલે 12 વર્ષના બાળકોમાં પણ લક્ષણો દેખાયા છે. આરોગ્ય વિભાગની તપાસમાં મોલીપુર ગામમાં 185 બાળકોએ ઓરીની રસી નહીં લીધી હોવાનુ બહાર આવ્યું છે. જેના કારણે 91 કેસ સામે આવ્યા છે. જેની સામે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી 100 % રસીકરણ ની કામગીરી હાથ ધરાઈ છે અને ગ્રામજનોને મીટીંગો કરી ઓરીની રસી લેવા સમજણ અપાઈ છે.


અમદાવાદમાં કેટલા છે કેસ


અમદાવાદ  શહેરના બહેરામપુરા, દાણીલીમડા, જુહાપુરા, મક્તમપુરા, ગોળલીંમડા અને રખિયાલમાં ઓરીના મહત્તમ કેસો જોવા મળ્યા છે. મ્યુનિ. હેલ્થ કમિટીમાં આ બાબતે વિસ્તારથી અપાયેલા અહેવાલમાં અત્યારે શહેરમાં 1661 શંકાસ્પદ કેસ પૈકી 457 કેસ સામે આવ્યા છે.


થોડા દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શિક્ષણ અધિકારીને પત્ર લખીને જાણ કરી હતી કે, બાળકને ઓરીના લક્ષણ દેખાય તો તાત્કાલિક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અથવા અર્બન હેલ્થ સેન્ટર ઉપર જાણ કરવાની રહેશે અને બાળકને તાત્કાલિક રજા આપવાની રહેશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગે બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ન મોકલવાની તાકીદ કરી હતી. 


ઓરી રોગ એક અત્યંત ચેપી રોગ છે. જે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે અને શરીર પર લાલ ફોલ્લી થઈ જાય છે. તેથી આવા કોઈ પણ લક્ષણ બાળકને દેખાય તો તાત્કાલિક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અથવા અર્બન હેલ્થ સેન્ટર ઉપર જાણ કરવાની રહેશે. ઓરી રોગ ઝડપથી ફેલાતો રોગ છે જેથી બાળકોમાં આ રોગ ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓને અનુસરવા સૂચના આપવામાં આવી છે.


ઓરી રોગના લક્ષણો



  • 104 ડિગ્રી સુધી તાવ

  • ખાંસી

  • શરદી

  • લાલ આંખો અથવા આંખોમાં વારંવાર પાણી આવવું


​શરૂઆતી લક્ષણોથી બચાવ અને ઇલાજ



  • મોંઢામાં બેથી ત્રણ દિવસની અંદર નાના-નાના સફેદ ડાઘ વિકસિત થાય છે.

  • 3થી 5 દિવસની અંદર શરીર પર લાલ-સપાટ દાણા જોવા મળે છે.

  • ઓરીના દાણા બાળકની ગરદન, ચહેરા, ધડ, હાથ, પગ અને તળિયા પર દેખાતા હોય છે.

  • તેનાથી બચવા માટે વેક્સિન ખૂબ જ જરૂરી છે.

  • ઓરીથી બચાવ માટે બાળકોમાં ઓરીની વેક્સિનના 2 શોટ્સ લગાવવામાં આવે છે.


​ઓરી થયા બાદ શું કરશો?



  • આરામ કરવા દો

  • સંક્રમિત બાળકની આસપાસ અન્ય બાળકોને ના જવા દો

  • પાણી અને જ્યૂસ આપો

  • ભીના કોટનથી બાળકનું શરીર સાફ કરો

  • ડોક્ટરની સલાહ બાદ તાવની દવા આપો

  • તમારી પોતાની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો

  • બાળકને અડકતા પહેલાં અને બાદમાં હાથ યોગ્ય રીતે સાફ કરો