મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં સ્વસ્થ થઈ રહ્યા છે, ત્યારે મહેસાણામાં વધુ એક વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. શહેરના તાવડીયા રોડ ઉપર આવેલી કિશન પાર્ક સોસાયટીને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયો હતો. જોકે, 28 દિવસ વચ્ચે એક પણ કેસ નહીં નોંધાતા કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. મહેસાણા મામલતદાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી મુક્તિ આપવામાં આવી છે.


નોંધનીય છે કે, લોકડાઉન-4 આગામી 31 મેના રોજ પૂરું થઈ રહ્યું છે, ત્યારે હવે સોમવાર, 1 જૂનથી સરકાર ગુજરાતમાં કેટલીક છૂટછાટ આપી શકે છે. ગુજરાતના કન્ટેઇન્મેન્ટ એરિયામાં અવર-જવરને લઈને પણ જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, લોકડાઉન-4 પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે લોકડાઉન-5ને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, લોકડાઉન લંબાશે કે નહીં તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે પણ પહેલી જૂનથી અમદાવાદ સહિત ગુજરાતમાં વધુ છૂટછાટ મળી શકે છે.

ગુજરાત સરકાર લોકડાઉન-4 પૂરું થયા પછી સરકાર બજારો ખોલવાની છૂટ આપે તેવી શક્યતા છે. કન્ટેઈનમેન્ટ ઝોન એટલે કે રેડ ઝોનમાં લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ હટાવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલી જૂન પછી રેસ્ટોરન્ટ અને હોટેલને ચાલુ કરવાની છૂટ મળવાની શક્યતા છે. પહેલી જૂનથી દુકાનો સવારે 8થી સાંજના 6 સુધી ચાલુ રાખવાની છૂટ મળી શકે છે. લોકડાઉન-4માં સાંજના સાતથી સવારે સાત વાગ્યા સુધી લોકોની અવર-જવર પર અંકુશ રાખવામાં આવ્યો છે, તેમાં બે કલાકનો ઘટાડો કરી દેવાની શક્યતા છે.