મહેસાણાઃ બહુચરાજીના આશોલ કેનાલમાં કૂદીને આપઘાત કરનાર ઉંઝાના વણાગલા ગામની યુવતીના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીના પિતાને મોબાઇલમાં યુવતીના આપઘાત પહેલાનો એક વીડિયો મળી આવ્યો હતો. જેને કારણે આપઘાત પાછળનું કારણ સામે આવ્યું છે. આ સિવાય યુવતીએ પોતાના હસ્તાક્ષરમાં લખેલું એક પેજ પણ મળી આવ્યું છે. 


જ્યોત્સનાબેન ચૌધરીના માણસા તાલુકાના ગુનમા ગામે લગ્ન થયા હતા. મૃતક જ્યોત્સાબેને ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરેલ નાણાં પરત ન આવતા આપઘાત કરી લીધો છે. શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટી અને સમર્પણ ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કર્યાં બાદ નાણાં પરત નહિ મળતા કેનાલમા ઝંપલાવ્યું હતું. જ્યોત્સનાબેન તા.17-4-2020 થી તા.1-12-2020 સુધી રૂપિયા 66,19,000નુ રોકાણ કર્યુ હોવાના તેમજ કંપનીની બેઠકના ફોટા પણ મળી આવ્યા છે. 

આ પણ વાંચોઃ 24 કલાકમાં કોરોનાના નવા 38,353 કેસ આવ્યા, 140 દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા


બહુચરાજી પોલીસે ક્રેડિટ સોસાયટીના ચેરમેન સહિત ત્રણ લોકો સામે ફરીયાદ નોંધી છે. મૃતક યુવતીએ લાખો રૂપિયાનું રોકાણ કર્યુ હોવાનુ સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યોત્સનાબેન ચૌધરી મહેસાણાના ધરતી બંગલોઝમાં રહીને 5 વર્ષ પહેલાં શુભલક્ષ્મી કો-ઓ ક્રેડીટ સોસાયટીમાં નોકરી કરતા હતા.શુભલક્ષ્મી ક્રેડીટ સોસાયટી બંધ થતાં સમર્પણ કો-ઓ ક્રેડીટ સોસાયટીમાં મેનેજર તરીકે નોકરી કરી હતી.


ક્રેડીટ સોસાયટીમાં કરેલું રોકાણ સારા નફા માટે જ્યોત્સનાબેનની જાણ બહાર પ્રાઈવેટ કંપનીમાં કરાતું હતું. ક્રેડીટ સોસાયટીના રોકાણકારોના નાણાં સારા નફા માટે ઊંચા વ્યાજે એફએક્સ બુલ કંપનીમાં રોકાણ કર્યા હતા. જોકે, ક્રેડીટ સોસાયટીના રોકેલા પૈસા પરત નહી મળતાં જ્યોત્સનાબેને કીર્તિ ચૌધરી અને પ્રદિપ ચૌધરી પાસે અનેક વખત માગણી કરવા છતાં નહી આપતાં જ્યોત્સનાબેને ગત. 9-7-2021ના રોજ આસજોલ પાસેની નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતના આ મોટા શહેરમાં આજે માત્ર રસીનો બીજો ડોઝ આપવામાં આવશે, નાગરિકોને પ્રથમ ડોઝ નહીં મળે


આ અંગે જ્યોત્સનાબેનના પિતા હીરાભાઈ ચૌધરીએ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ખારાના કીર્તિભાઈ પારસંગભાઈ ચૌધરી, ગોકળગઢના પ્રદિપભાઈ સાલુભાઈ ચૌધરી અને મહેસાણાના દિક્ષિત કાન્તિલાલ સુથાર સામે આપઘાત કરવા માટે મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


જ્યોત્સનાબેનના આપઘાત પહેલા મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો. તેણીના પિતાને આ વિડીયો મળી આવતાં બહુચરાજી પોલીસને આપ્યો હતો. તેથી પોલીસે પુરાવા તરીકે વિડીયો કબજે લીધો છે.