Mehsana: રાજ્યમાં ચાલી રહેલા મધ્યાહન ભોજન યોજનામાં ગોલમાલ થયાની ઘટના મહેસાણા જિલ્લામાંથી સામે આવી છે, અહીં મામલતદારની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાધ ધરતાં મધ્યાહન ભોજનના અનાજને સગેવગે કરવાનું કૌભાંડ બહાર આવ્યુ હતુ, આ મામલે હવે બે સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. 


મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરના મધ્યાહન ભોજન કેન્દ્રો પર અનાજનું ગોલમાલ જોવા મળ્યુ છે. વિજાપુરના ચાર મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારી અનાજની ગોલમાલ થવાની બાતમી મળતા, મામલતદારની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ હતુ, આ કાર્યવાહીમાં વિજાપુરના 4 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં અનાજની ઘટ મળી જોવા મળી હતી. સરકારી ઘઉં, ચોખા, દાળ, તેલની કુલ 1090 કિલો ઘટ સામે આવી હતી. મામલતદારની ટીમે વિજાપુરની સેકન્ડરી સ્કૂલ, મણીપુરા, હાથીપુરા, લાડોલ કેન્દ્રોમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યુ હતુ, અનાજની ઘટ મળતા સંચાલક કામિનીબેન દિલીપભાઈ પટેલ અને અક્ષય દિલીપભાઈ પટેલને નોટિસ અપાઇ હતી. 


ગુજરાતમાં મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે,20 જિલ્લાના કેન્દ્ર માત્ર ઘઉં-ચોખાથી ચાલી રહ્યા છે


ગુજરાતમાં મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, ગુજરાતના 20 જિલ્લામાં મધ્યાહન ભોજન માત્ર ઘઉં-ચોખાથી ચાલે છે. આમ હાલમાં રાજ્યમાં 29000 મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે ચાલી રહ્યા છે. ગુજરાતના મધ્યાહન ભોજનમાં જુલાઈ મહિનાનું એકપણ પ્રકારનું અનાજ પહોંચાડવા આવ્યું નથી. મધ્યાહન ભોજન સંચાલકો પોતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોને ભોજન પુરૂ પાડે છે. ગુજરાતના મધ્યાહન ભોજનમાં ચાલું મહિનાનો અનાજનો જથ્થો નથી આપવામાં આવ્યો. ગુજરાતના ૨૦ જીલ્લામાં મધ્યાહન ભોજન માત્ર ઘઉં અને ચોખાથી ચાલતા હોવાની માહિતી સામે આવી છે. રાજ્યમાં ૨૯ હજાર મધ્યાહન ભોજનના કેન્દ્રોમાં આજ સ્થિતિમાં ચાલી રહ્યા છે. જે મેનુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે કોઈ ખરીદી કરવામાં આવતી જ નથી.


અવાર નવાર સડેલું અનાજ આપવામાં આવે છે. પુરવઠા નિગમ દ્વારા આ અનાજની ખરીદી થતી હોય છે તેઓ ગુણવત્તાવાળું અનાજ નથી આપતા તેવી ફરિયાદો ઉઠી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં રાજ્યમાં અંદાજીત ૪૫ લાખ બાળકો મધ્યાહન ભોજન લઇ રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યમાં ચાલતા મધ્યાહન ભોજનને લઈને સવાલો  ઉઠ્યા હોય. આ પહેલા પણ ઘણીવાર મધ્યાહન ભોજન માટે અપાતા અનાજની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી ચૂક્યા છે. જો કે, આ તમામ સવાલો વચ્ચે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.