મહેસાણાઃ મૂળ ઉત્તર પ્રદેશના અને મહેસાણામાં રહેતા યુવકે લગ્નના 6 જ મહિનામાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા કરનાર યુવકના પેન્ટના ખીસ્સામાંથી સૂસાઇડ નોટ પણ મળી આવી છે. યુવકે પત્નીના આડાસંબંધમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મહેસાણાના રામોસણામાં રહેતા યુવકના છ મહિના પહેલા યુપીની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી દંપતી પિતાના જ મકાનમાં ઉપરના માળે અલગ રહેતા હતા. જોકે, લગ્નના 6 જ મહિનામાં બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. મૃતકની પત્ની ફોન પર અજાણ્યા યુવક સાથે અવાર-નવાર વાતચીત કરતી હતી. જેને લઈને બંને વચ્ચે તકરાર થતી હતી.
ગત 29મી મેના રોજ પત્નીના આડાસંબંધ મુદ્દે જાણ થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જોકે, પરિવારના સભ્યોએ સમાધાન કરાવ્યું હતું. આ સમયે યુવકને ખબર પડી હતી કે, તેના પિતાને પણ દિલ્લીના યુવકે ધમકી આપતી હતી અને યુવકની પત્ની સાથે ઝઘડો ન કરવા જણાવી જેલમાં પુરાવી દેવાની ધમકી આપી હતી.
આ પછી ગત 30મી મેના રોજ રાત્રે 3 વાગ્યે ભાભીએ આવીને દિયરને કહ્યું હતું કે, તમારા ભાઈ દરવાજો ખોલતાન થી. આથી યુવક અને તેના પિતાએ દરવાજો ખખડાવ્યો હતો. આમ છતાં દરવાજો ન ખોલતા તેમણે દરવાજો તોડી ને જોયું તો અંદર મોટો ભાઈ પંખા સાથે લટકતો હતો. તાત્કાલિક યુવકને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ અંગે જાણ થતાં પોલીસ દોડી આવી હતી. તેમજ મૃતક યુવકની તપાસમાં પેન્ટના ખિસ્સામાંથી સૂસાઇડ નોટ મળી આવી હતી. જે પોલીસ તપાસ માટે કબ્જે લીધી છે. આ અંગે મૃતક યુવકના ભાઈએ ભાભી અને ફોન પર ધમકી આપનાર શખ્સ સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.