મહેસાણાઃ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવી વાયરલ કરનારી લાંઘણજની મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ વડાએ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને શિસ્તનું પાલન અને નૈતિકતાના મુદ્દે સસ્પેન્ડ કર્યા હતા. નોંધનીય છે કે વીડિયો એપ ટીકટોક પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતી જોવા મળી રહી હતી.




મળતી જાણકારી અનુસાર પોલીસ સ્ટેશનમાં ટીકટોક પર વીડિયો બનાવી વાયરલ કરનારી લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચાલુ ફરજ દરમિયાન યુનિફોર્મ ન પહેરવા તથા ચાલુ ફરજ દરમિયાન મોબાઇલ ફોનનો બિનજરૂરી ઉપયોગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.



ટીકટોક વીડિયોના કારણે સસ્પેન્ડ થનાર મહિલા કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હોવાનું જાણવા મળે છે. તેના  ફેસબુક એકાઉન્ટમાં તેમના અનેક પિક્ચર્સ અને વીડિયો જોવા મળે છે. મહિલા કોન્સ્ટેબલ પેટ્સના પણ શોખીન હોય તેવું જાણવા મળી રહ્યું છે, તેમણે પોલીસ ડોગ સાથેની અનેક તસવીરો ફેસબુકમાં મૂકી છે. તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં હેરસ્ટાઇલથી લઈને ટ્રેન્ડી ડ્રેસિસ અને સેલ્ફીઓની વણઝાર જોવા મળે છે.



નોંધનીય છે કે પોલીસ સ્ટેશનમાં એક યુવતી ડાન્સ કરતી હોવાનો ટીકટોક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવતી પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતી જોવા મળી રહી હતી. એવી પણ ચર્ચા હતી કે વીડિયોમાં દેખાતી યુવતી લાંઘણજની છે.  મહેસાણાના Dysp મંજીતા વણઝારાએ નિવેદન આપ્યું હતું કે આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.