Mehsana News: મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો છેલ્લા એક વર્ષથી શાળામાં નથી આવતાં. પાંચ શિક્ષકો વિદેશ પરિભ્રમણ કરે છે તો પાંચ શિક્ષકો અન્ય કારણથી શાળામાં નથી આવ્યાં. બહુચરાજીના જેતપુર શાળાના શિક્ષક છેલ્લા એક વર્ષથી શાળામાં નથી આવ્યા, તો કડીના રાજપુર અને રણછોડપુરાના શિક્ષકો પણ છેલ્લાં એક વર્ષથી ગાયબ છે. મહેસાણા શાળા નંબર ત્રણ અને સોભાસણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પણ છેલ્લાં એક વર્ષથી શાળામાં નથી આવ્યા. શોભાસણ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેન ૨૦૧૭થી શાળામા નથી આવ્યા. વિજાપુર શહેરની શાળા નંબર એકના શિક્ષક પણ છેલ્લા એક વર્ષથી શાળામાં નથી આવ્યા. આ શિક્ષકોને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપવા છતાં કોઈ જવાબ મળતો નથી.
એક તરફ કચ્છમાં શિક્ષકની ઘટ છે સામે શિક્ષક ૪ વર્ષથી સ્કૂલ જ નથી આવ્યા. માંડવીના શિરવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકા ૩ વર્ષથી ગેરહાજર છે. નીતા ડી પટેલ નામની શિક્ષિકા ઠીક લાગે ત્યારે આવે અને ચાલી જાય. શિક્ષકની મનમાની લઈને અનેક વાલીઓએ રજૂઆતો કરી છતાં નિરાકરણ નથી આવ્યું. શિક્ષકની ગેરહાજરી સંદર્ભે જિલ્લા કેળવણી નિરીક્ષણ, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સુંધી વાલીઓએ લેખિત રજૂઆત કરી હતી.
દાંતા તાલુકાના પાન્છા ગામની શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી અમેરિકાના શિકાગોમાં સ્થાયી થઈ છે. નવાઇની વાત તો એ છે કે શિક્ષણ વિભાગે હજુ સુધી કોઈ ઠોસ પગલાં લીધા ન હતા. સમગ્ર મામલો ચર્ચામાં આવતાં તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આવો જ કિસ્સો વાવના ઉચપા ગામે બહાર આવ્યો છે. આ પ્રાથમિક શાળામાં પણ છેલ્લા બે વર્ષથી એક શિક્ષક શાળા દફતરે કોઈપણ જાતની જાણ કર્યા વગર રફુચક્કર થયેલ છે.
બનાસકાંઠાના સરહદી વાવ તાલુકામાં ઉચપા પ્રાથમિક સ્કૂલ આવેલી છે. આ શાળામાં અભ્યાસ કરતા બાળકોની રજિસ્ટ્રેશન સંખ્યા 321 છે. શાળામાં કુલ 11 શિક્ષકો છે જે ધોરણ 1 થી 8 ના તમામ બાળકોને ભણાવે છે. 11 શિક્ષકો પૈકીના એક શિક્ષક, છેલ્લા બે વર્ષથી સતત કે ગેરહાજર છે.જેથી આ સ્કૂલમાં હવે એક શિક્ષકની ઘટ સાથે 10 નો સ્ટાફ કાર્યરત છે. ગત 10 -11 -2022 થી આ સ્કૂલમાં ધોરણ 1 થી 5 ના વર્ગ શિક્ષક એવા દર્શનભાઈ ચૌધરી સતત ગેરહાજર છે. ગેરહાજરી વિશે શાળાના આચાર્યને કોઈ પ્રકારનો રિપોર્ટ કરવામાં આવ્યો નથી.
જેથી આ ગંભીર બેદરકારી મામલે શાળાના આચાર્ય નિયત સમય મર્યાદામાં સેન્ટર શાળા, વાવ તાલુકા પ્રાથમિક અધિકારી, તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આ શિક્ષકની સતત ગેરહાજરી મામલે લેખિત રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી છેલ્લા બે વર્ષ ના સમય બાદ પણ આ શિક્ષક કેમ ગેરહાજર છે? તેને લઇને જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ કરવાની તસદી સુદ્ધાં લીધી નથી.
આ પણ વાંચોઃ
આણંદથી અમેરિકાનું હવાલા કોભાંડ આવ્યું સામે, વૈભવી ગાડીઓમાં રોફ મારતા હિસ્ટ્રીશીટરો ઝડપાયા