Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધી છે. આ દરમિયાન મહેસાણાના કડીમાં હાર્ટ એટેકની ઘટના સામે આવી છે.


કડીમાં એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. કડીના કુંડાલ ગામમા રહેતા નિકુંજ પટેલ નામના 26 વર્ષીય યુવાનનું જન્મ દિવસે જ હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.


થોડા દિવસ પહેલા દિલ્હીના નોઈડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં ક્રિકેટ મેચ રમી રહેલા એક યુવા ક્રિકેટરનું રન લેતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું હતું. આ ઘટના થાણા એક્સપ્રેસ-વે વિસ્તારના સેક્ટર-135માં બની હતી. 


હાલમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે એક ક્રિકેટર મેચની વચ્ચે રન લેવા માટે દોડી રહ્યો છે અને પછી તે અચાનક પીચની વચ્ચે ઢળી પડે છે. પોતાના સાથી ખેલાડીને પીચ પર પડતા જોઈને મેદાન પર હાજર તમામ ખેલાડીઓ તેની પાસે દોડી આવ્યા છે પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. યુવકને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક ક્રિકેટરો સેક્ટર-135 પુસ્તામાં બનેલા સ્ટેડિયમની અંદર ક્રિકેટ મેચ રમી રહ્યા હતા. આ દરમિયાન મૂળ ઉત્તરાખંડનો 36 વર્ષીય ક્રિકેટર વિકાસ નેગી બેટિંગ કરવા આવ્યો હતો. ક્રિેકટ મેચ રમતી વખતે વિકાસ રન લેવા દોડ્યો અને અચાનક તે પીચ પર હાંફતો-ફાંફતો ઢળીને નીચે પડી ગયો. વિકાસને પડતા જોઈ તેના સાથી ક્રિકેટરો તેની પાસે દોડી આવ્યા હતા. બેભાન અવસ્થામાં વિકાસને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક ક્રિકેટર મૂળ ઉત્તરાખંડનો વતની હતો અને હાલ દિલ્હીના રોહિણીમાં રહેતો હતો. ક્રિકેટ રમતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા વિકાસ પીચ પર પડી ગયો હતો. મૃતક ક્રિકેટર નોઈડાની એક કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો.