Hit & Run: મહેસાણા જિલ્લમાં હિટ એન્ડ રનની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જગુદણ પાટિયા નજીક બની હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
થોડા દિવસ પહેલા ગાંધીનગરના પીંડારડા ગામેથી એક્ટિવા અને બાઇક લઇને પાલોદર જોગણી માતાના મંદિરે દર્શન કરવા નીકળેલા ચાર મિત્રો રસ્તામાં આખજ નજીક પેશાબ કરવા ઊભા રહ્યા હતા. તે દરમિયાન, સામેથી પૂરઝડપે આવેલી ગાડીના ચાલકે એક્ટિવા અને બાઇકને અડફેટે લેતાં એક્ટિવા પર બેઠેલ યુવાન ફંગોળાઇને 10 ફૂટ દૂર જઇને રોડ પર પટકાતાં માથામાં ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત થયું હતું. અકસ્માત બાદ ગાડીચાલક ફરાર થઇ ગયો હતો.
ગાંધીનગરના પીંડારડા ગામના ભાવેશભાઇ નરસિંહભાઇ રાવળ અને કેતનભાઇ રમેશભાઇ રાવળ એક્ટિવા (જીજે 18 ડીઆર 3829) અને વિનુભાઇ ગોવિંદભાઇ રાવળ અને મનોજભાઇ કાંતિભાઇ રાવળ બાઇક લઇ મહેસાણા તાલુકાના પાલોદર ગામે જોગણી માતાના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. રસ્તામાં આખજ નજીક સાંગણપુર રોડ પર ચારે મિત્રો એક્ટિવા અને બાઇક રોડની સાઇડમાં ઊભું કરી પેશાબ કરવા ગયા હતા. જેમાં 23 વર્ષીય કેતનભાઇ રમેશભાઇ રાવળ પેશાબ કરીને એક્ટિવા પર બેઠો હતો, તે સમયે સામેથી પૂરઝડપે આવેલી હોન્ડા અમેઝ ગાડી (જીજે 09 બીજી 6905)એ એક્ટિવા ઉપર બેઠેલા કેતનને એક્ટિવા અને બાજુમાં પડેલ બાઇક સાથે ફંગોળતાં કેતન ઉછળીને દશેક ફૂટ દૂર જઇને પડતાં માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. 108માં લાંઘણજ સરકારી હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના તબીબે કેતનને મૃત જાહેર કર્યો હતો. ભાવેશ રાવળે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગાડીચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.