Mehsana : મહેસાણામાં રખડતીને ગાયો પકડવાના મુદ્દે ગૌરક્ષકોએ વિરોધ કરી  નગર પાલિકા દ્વારા  ગાયો ભરીને જતી ટ્રકોનેઅટકાવી દેતા નગરપાલિકાના અધિકારી દોડતા થયા હતા. 


મહેસાણા શહેરમાં એક તરફ રખડતા પશુઓ સ્થાનિકોને નુકશાન કરે છે ત્યારે  નગરપાલિકા દ્વારા આ રખડતાં પશુને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં  ગૌરક્ષકો તેને લઈ વિરોધ કરી રહ્યા છે. આજે  મહેસાણા નગરપાલિકા દ્વારા 28 જેટલા રખડતા પશુઓ પકડી  બહારના પાંજરાપોળમાં મૂકવા જતાં હતા તેવામાં  સાઈબાબા મંદિર પાસે  ગૌરક્ષકોએ આ બે ગાડીઓને રોકી ગાયોને  લઇ જતી અટકાવી હતી. 


આ ગૌરક્ષકો  ગાયો પકડનાર એજન્સીના માણસોને રોકી ગાડીઓ અટકાવી હતી અને ગાયોને મહેસાણામાં છોડી દેવા કહ્યું  હતું.  તેમનો આરોપ હતો કે પશુને ગાડીમાં ખીચો ખીચ ભરી લઈ જાય છે અને ઘાસચારો પણ નથી આપતા.


ઘટનાને પગલે નગરપાલિકાના અધિકારી દોડતા થયા હતા. એક તરફ રખડતા પશુઓ શહેરમાં લોકોને ઘાયલ કરે છે ત્યારે બીજી તરફ નગરપાલિકાની કામગીરીમાં ગૌરક્ષકો  દખલ કરે છે અને પશુને છોડાવી રહ્યા છે. 


પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા
મહેસાણાના કડીમાં તિરંગા યાત્રા સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રખડતા ઢોરે અડફેટે લીધા છે. કરણપુર શાકમાર્કેટ પાસે નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં ભાજપ નેતા નીતિન પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. કડીમાં તિરંગા રેલી દરમ્યાન આ ઘટના બની હતી. જેમાં નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી છે. જે બાદ તેમને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા છે.


કચ્છમાં બાઈક સામે અચાનક આવી ગયો આખલો
કચ્છ અંજારમાં સતાપર રોડ પર બાઈક પર જઈ રહેલા પિતા-પુત્ર આખલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સતાપર રોડ પર પેટ્રોલપંપ પાસે અચાનક આખલો આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. બનાવમાં પુત્રને સામાન્ય ઈજાઓ થઇ હતી જયારે પિતાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. 


રખડતા ઢોરોને પકડવા માટે સ્થાનિકો દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી છે પંરતુ તંત્ર ઘોર નિંદ્રામાં સુતું હોય તેમ લાગી રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે રાજ્યમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. રખડતા ઢોર દ્વારા અવારનવાર સામાન્ય લોકો પર હુમલો કરવામાં આવે છે. જે અંગે અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.