મહેસાણામાં સ્કૂલનો શિક્ષક શેતાન બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, મહેસાણામાં મોટીદઉં પાટીયા પાસે શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર માર્યો હતો. મહેસાણા ઉત્કર્ષ વિદ્યાલયમાં મસ્તી કરી રહેલા છાત્રને શિક્ષકે સોટી મારતાં થાપાના ભાગે ઇજા પહોંચી હતી. મહેસાણા શહેરમાં એરોડ્રામ રોડ યશોદાનગરમાં રહેતા પટેલ પરિવારના ધોરણ 8માં અભ્યાસ કરતા 14 વર્ષીય પુત્ર શુક્રવારે સવારે શાળામાં ટેસ્ટ આપવા ગયો હતો. ટેસ્ટ પૂરો થતાં મિત્રો અંદરો અંદર વાતચીત કરી મસ્તી મજાક કરતા હતા. જે શિક્ષક નીલ પટેલ સાંભળી ગયા હતા. શનિવારે શાળામાં વિદ્યાર્થી અને તેના ત્રણ મિત્રોને ઉભા રાખી માર મરાયો હતો.આ ઘટનામાં વિદ્યાર્થીને પગ અને હાથના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘટનાને લઈ વાલીની ફરિયાદના આધારે શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
શિક્ષક નીલ પટેલે દાવો કર્યો હતો કે ટેસ્ટ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ચોરી કરતાં, ટકોર કરવા છતાં નહીં માનતાં મેડમે હું HOD હોવાથી મને વાત કરી હતી. એટલે આ 4-5 બાળકોને સોટી મારી હતી. ઈરાદો બાળકોમાં શિસ્ત આવે અને સારી રીતે ટેસ્ટ આપે તેવો હતો. વિદ્યાર્થી અમારા જ છે, થોડા તે દુશ્મન હોય. અન્ય કોઇ વાલીને વાંધો નથી, ઉલ્ટાનું શિક્ષક સુધારા માટે કરે તેવું ફોનમાં કહ્યું હતું. આ તરફ એક વાલીના વિદ્યાર્થીએ આ મુદ્દે શિક્ષક વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાકડીથી ફટકાર્યા હતા. ક્લાસ રૂમમાં જઈ વિદ્યાર્થીને માર મારતા હોવાના શિક્ષક CCTVમાં કેદ થયા હતા. ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ આરોપ લગાવ્યો હતો. મિત્રો સાથે મજાક મસ્તી કરતા અદાવત રાખી માર માર્યાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીના પિતાએ શિક્ષક નીલ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
તે સિવાય પાલનપુરમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. જ્યા આઈટીઆઈ કોલેજમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મારતા વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કર્યો હતો. આઈટીઆઈના વિદ્યાર્થીને શિક્ષકે પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. ક્લાસમાં હાજર ન રહેતા ચાર વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાનો ABVPના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો. શિક્ષકે માર માર્યાના આરોપ સાથે ABVPના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરી પ્રિન્સિપાલને આવેદન પત્ર પાઠવ્યું હતું. સાથે જ જવાબદાર શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.