મહેસાણાઃ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ગઈ કાલે મહેસાણામાં વીજળી પડતાં 32 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે સોમવારે વિસનગર તાલુકામાં વીજળી પડતા એક યુવક અને યુવતીનું મોત નીપજ્યું હતું. ગઈ કાલે મહેસાણા પાસે આવેલ છઠીયારડા ગામમાં છત પર વીજળી પડતા 32 વર્ષીય યુવતીનું ઘટના સ્થળે મોત નિપજતા શોક નો માહોલ સર્જાયો છે.


છઠીયારડા ગામમાં કડાકા ભડાકા સાથે વીજળી પડતા ઘરની છત ધરસાઈ થઈ હતી. લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતી 32 વર્ષીય પ્રજાપતિ શીતલબેન મહેશભાઈ નામની યુવતી ઘરની બહાર છત નીચે બેઠી હતી ત્યારે બપોરે એકાએક વીજળી ઘરની છત પર પડતા કાટમાળ તૂટીને નીચે બેસેલી યુવતી પર પડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે લોકો ને જાણ થતાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ તેઓનું મોત નિપજતા સમગ્ર ગામ શોકમય બન્યું હતું.


જ્યારે સોમવારે વિસનગરના ગણપતપુરામાં મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. દરમિયાન વિજળી પડતા 2ના મોત થયા હતા. ગણપતપુરા ગામની સીમમાં મહિલા અને યુવાન પર વીજળી પડતા ઘટના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.  આ ઘટનામાં ઠાકોર સુખીબેન તલાજી અને ઠાકોર નાગજી રમેશજીનું મોત થયા હોવાની વિગતો બહાર આવી છે. મહિલા અને યુવાન સાંજના સમયે ખેતરમાં ઘાસ ચારો લેવા ગયા હતા. એ દરમિયાન એકાએક વીજળી પડતા બંનેના ઘટના સ્થળે મોત નિપજતા ગામ માં શોક નું મોજું ફળી વળ્યું હતું.