મહેસાણાઃ વિસનગર (Visnagar)ના ગણપતપુરા ગામમાં વીજળી પડતા બેના મોત થયા છે. એક યુવતી અને એક યુવાનનું વીજળી પડતા મોત (Death) થયું છે. બંને મૃતદેહને મહેસાણા સિવિલ (Mehsana Civil)માં ખસેડાયા છે. ખેતરમાં ઘર બનાવીને રહેતી યુવતી અને યુવાન ઉપર વીજળી પડી હતી. યુવક-યુવતીના મોતને પગલે આખા ગામમાં શોકની લાગણી ફરી વળી છે.
રાજ્યના ખેડૂતોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. આજથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજથી ત્રણ સપ્ટેંબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે પ્રમાણે કાલે સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોએ થોડો રાહતનો દમ લીધો છે.
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં સોમવારે મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલનપુર, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ, ધાનેરા સહિતના તાલુકામાં રાતે ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે પાલનપુરના દિલ્લી ગેટ બિજેશ્વરી કોલોનીમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. છેલ્લા દોઢ મહિના બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોનો જે પાક સુકાઈ રહ્યો હતો. તેને જીવનદાન મળ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર શેડ્યૂઅલ ખોરવાયા
વરસાદી માહોલના કારણે અમદાવાદ એયરપોર્ટ પરથી ઓપરેટ થતી 10થી વધારે ફ્લાઈટનું શેડ્યુલ ખોલવાયુ છે. ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે અમદાવાદથી ઓપરેટ થતી દિલ્લી અને ચૈન્નઈની ફ્લાઈટ રદ કરવામાં આવી. તો અનેક ફ્લાઈટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે બાદમાં 20થી 2 કલાક સુધી રદ થયા બાદ ફ્લાઈટે ઉડાન ભરી હતી.
વરસાદમાં કૃષ્ણ જન્મોત્સવ
રાજકોટના ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં પણ કૃષ્ણ જન્મોત્સવ મનાવાયો હતો. કૃષ્ણ જન્મ સમયે જ ગોંડલ ગ્રામ્યમાં મધરાત્રીના ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે જ કૃષ્ણ જન્મ સાથે મેઘમહેર થતા ગ્રામજનોએ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા ગણી વરસાદના પણ વધામણા કર્યા છે. ગોંડલના મોટા ઉમવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના સમયે વરસાદ નોંધાયો હતો.
ખેડૂતો મુશ્કેલીમાં
દ્વારકા જિલ્લો જ્યાં છેલ્લા 48 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સૂકાવા લાગ્યો છે. દ્વારકા સહિત રાજ્યભરમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે. દ્નારકા જિલ્લામાં સિઝનનો 39.16 ટકા અને માત્ર 11 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં ભાણવડ તાલુકામાં 34.40 અને 9 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 44.37 ટકા અને 6 ઈંચ, ખંભાળિયામાં 43.49 ટકા અને 13 ઈંચ વરસાદ વરસ્યો. એવામાં અમારા સંવાદદાતા ખેડૂતોનું દર્દ જાણવા જિલ્લાના ગઢેચી ગામ પહોંચ્યા અને ખેડૂતોનું દર્દ જાણવાનો પ્રયાસ કર્યો.