ઉંઝા APMCમાં વેપારીઓની આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. મળતી જાણકારી અનુસાર, ઉંઝા એપીએમસીમાં દુકાન માલિકીના હક જવાના ડરે વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે. બજાર સમિતિએ વર્ષ 2017-18માં દુકાનો વેચાણ કરી હતી. એપીએમસીની મિલકતનું વેચાણ ન થઈ શકે તેવો વર્ષ 1999માં પરિપત્ર કરાયો હતો. જ્યારે નિયમ મુજબ દુકાન કે પ્લોટ ભાડા પટ્ટા પર જ આપી શકાય છે. આ મામલે તત્કાલિન સેક્રેટરી વિષ્ણુ પટેલને 27 જુલાઈએ હાજર રહેવા નોટિસ અપાઈ છે. તો 2017-18ના મેનેજમેન્ટ બોર્ડના સભ્યોને પણ હાજર રહેવા નોટિસ અપાઈ છે.વેપારીઓનો વિરોધ એ છે કે, વેપારીઓના નામે થયેલ મિલકતમાં સરકાર કેમ દખલગીરી કરી રહી છે.
આ મામલે અરજી થતા પૂર્વ ચેરમેન અને પૂર્વ સેક્રેટરી સામે તપાસ શરૂ કરાઇ હતી અને દુકાનોનો માલિકી હક્ક જવાની બીકને લઈને વેપારીઓ વિફર્યા છે. વેપારીઓએ દુકાનની માલિકી હક્ક ન મળે ત્યાં સુધી માર્કેટ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.2017-18માં સંચાલક મંડળે ઠરાવ કરી દુકાનો વેચાણ તરીકે આપી હતી. ભાડા પટ્ટાથી આપવાની 133 દુકાનો વેચાણ તરીકે અપાઈ હતી.
વર્ષ 2017-18 માં માલિકી હક્કથી અપાયેલી દુકાનો ગેરકાયદેસર હોવાની અરજી એક અરજદારે કરી હતી. જો કે આ અરજી અનુસંધાને સહકાર વિભાગે તપાસ અધિકારીની નિમણૂક કરી અને તપાસ શરુ કરી અને તે સમયના પૂર્વ ચેરમેન,પૂર્વ સેક્રેટરી અને પૂર્વ ડિરેકટરને હાજર રહેવા નોટિસ આપી છે. જો કે આ કાર્યવાહીના વિરોધમાં વેપારીઓ હડતાળ ઉપર ઉતર્યા હતા. ઉંઝા APMCના વેપારીઓ પોતાની તમામ દુકાનો બંદ રાખી હડતાલમાં જોડાયા હતા અને એક બેઠક કરી હતી. જેમાં ઉંઝાના ભાજપ ધારાસભ્ય કિરીટભાઇ પટેલ પણ વેપારીના સમર્થનમાં આવ્યા હતા અને વેપારીઓ સાથે હોવાનું કહ્યું હતું.
બીજી તરફ ઉંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે કહ્યું હતું કે અમે વેપારીઓના સમર્થનમાં છીએ અને વેપારીઓની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા અમે રજૂઆત કરીશું. વેપારીઓ માંગ કરી રહ્યા છે કે અમને પૂછ્યા વગર સહકાર વિભાગે કાર્યવાહી કરતા અમારો વિરોધ છે. સહકાર વિભાગ દ્વારા તપાસ અધિકારી નિમતા પહેલા અમને પૂછ્યું જોઈએ.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial