મહેસાણાઃ જોટાણા તાલુકાની વિધાર્થિનીને ભગાડી તેનાં પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા મળી છે. મહેસાણા સ્પેશ્યિલ પોક્સો કોર્ટે આરોપોને આજીવન કેદની સજા ફટકારી છે. ત્રણ વર્ષ પહેલાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિધાર્થી પર દુષ્કર્મ થયું હતું. વિષ્ણુજી ઠાકોર નામના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
ત્રણ વર્ષ અગાઉ જોટાણાની સ્કૂલમાં ધોરણ 10માં ભણતી 15 વર્ષની વિદ્યાર્થિનીને યુવક લલચાવી ફોસલાવી ભગાડી જઇ જુદા જુદા સ્થળે લઇ જઇ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો હતો. આ બહુચર્ચિત કેસમાં મહેસાણાની સ્પે.પોક્સો કોર્ટે જોટાણા તાલુકાના કાનપુરા ગામના આરોપીને આજીવન કેદની સજા અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો. આ સાથે પીડિતાને રૂ.1.50 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
26 ડિસેમ્બર 2018ના રોજ સ્કૂલમાંથી સગીરાને લગ્નની લાલચ આપી વિષ્ણુજી લક્ષ્મણજી ઠાકોર ભગાડી ગયો હતો અને અમદાવાદના કુબેરનગર, ભાવનગર, ડાકોર તથા ઝારોલા વગેરે ગામે લઇ ગયો હતો. જ્યાં તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવકની ચુંગાલમાંથી છૂટ્યા બાદ આ મામલે સાંથલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો.
આ કેસ જજ એ.એલ. વ્યાસની સ્પે.પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ રેખાબેન જોશીએ કુલ 15 સાહેદો તપાસ્યા હતા. કોર્ટે ભોગ બનનારની જુબાની, મેડિકલ ઓફિસર સહિત અન્ય સાહેદોની જુબાની ગ્રાહ્ય રાખી આરોપી વિષ્ણુજી ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી હતી. સરકારી વકીલે સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા રજૂઆત કરી હતી. ચુકાદાના પગલે કોર્ટ રૂમમાં સોંપો પડી ગયો હતો.આરોપી પરિણીત અને જવાબદાર વ્યક્તિ હોવા છતાં સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યું છે. જે સભ્ય સમાજને લાંછનરૂપ હોઇ સમાજમાં દિન પ્રતિદિન બળાત્કારના કિસ્સા વધે જતા હોઇ સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા રજૂઆત કરી હતી.