ભીલડીઃ ડીસા તાલુકના જૂના સણથ ગામની સીમમાંથી પરિણીતા અને તેની સગીર દીકરીની લાશનો ભેદ ઉકેલાયો છે અને તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કાંકરેજના શીયા ગામની પરણિતા પોતાની સગીર વયની દિકરીને લઇને પોતાના પિયર ખેડબ્રહ્મા જવા નિકળ્યા હતા. જોકે આ બંન્નેની લાશો મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. બન્નેના મોત ઝાટકા મશીનથી કરંટ લાગવાના કારણે થયું હતું. જોકે, બંન્ને અહીં કેવી રીતે પહોંચ્યા તેને લઈને પોલીસ મુંઝવણમાં મુકાઇ હતી. જોકે, હવે પોલીસે આ મોત પ્રકરણનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને બે આરોપીઓ ઉપરાંત ખેતર માલિકની ધરપકડ પણ કરી લીધી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગત સોમવારે ડીસાના જૂના સણથ ગામના અમરતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાં ઝાટકા મશીનથી કરંટ લાગતાં માતા ગીતાબેન સરતનભાઈ રબારી (ઉં.41) અને પુત્રી મીનલ (ઉં.15)નું ઘટનાસ્થળે મોત થયાં હતાં. પોલીસે તપાસ કરતાં મેરેજ એજન્ટ તરીકે કામ કરતાં મૃતક ગીતાબેન રબારી એ બે મહિના પહેલા ડીસાના સાંડિયાના રમેશભાઈ ભાણજીભાઈ રાવળના નાના ભાઈના પ્રવીણ સાથે લગ્ન કરાવ્યા હતા. જોકે, છોકરી લગ્નના ત્રણ જ દિવસ પછી ભાગી ગઈ હતી. આ લગ્ન રમેશભાઈએ મામાના દીકરા પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળ (રહે. ભદ્રવાડી તા. કાકંરેજ)ની મદદથી ગીતાબેન સાથે દોઢ લાખમાં સોદો કરાવીને કરાવ્યા હતા.

જોકે, છોકરી ત્રણ જ દિવસમાં ભાગી જતાં રમેશભાઈ રાવળ અને મામાના દીકરા પ્રવીણે પૈસા પરત લેવા સાંડિયાના ખેતરમાં ગીતાબેન અને તેમની દીકરી મીનલને બંધક બનાવ્યા હતા. તેમજ પૈસા આપે પછી જ છોડવાનું જણાવ્યું હતું. જોકે, રાતના સમયે બંને ખેતરમાંથી ભાગી ગયા હતા. પરંતુ સણથ ગામના ખેતરમાં અમરતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાં લગાવેલા ઝાટકા મશીનના વાયરને અડી જતાં કરંટ આવતાં બન્નેનાં મોત થયાં હતાં.

ભીલડી પોલીસે મૃતકોની કોલ ડિટેલને આધારે તપાસ કરી મોતનો કેસ ઉકેલી નાંખ્યો હતો. તેમજ અમરતભાઈ ભીખાભાઈ રબારી ખેતર માલિક (રહે સણથ તા. ડીસા), 2. રમેશ ભાણજીભાઈ રાવળ બંધક બનાવનાર (રહે સાંડિયા) અને પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળની ધરપકડ કરી હતી.