ભીલડીઃ ડીસા તાલુકના જૂના સણથ ગામની સીમમાંથી પરિણીતા અને તેની સગીર દીકરીની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. કાંકરેજના શીયા ગામની પરણિતા પોતાની સગીર વયની દિકરીને લઇને પોતાના પિયર ખેડબ્રહ્મા જવા નિકળ્યા હતા. જોકે આ બંન્નેની લાશો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. બન્નેના મોત ઝાટકા મશીનથી કરંટ લાગવાના કારણે થયું હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે, બંન્ને અહીં કેવી રીતે પહોંચ્યા તેને લઈને પોલીસ મુંઝવણમાં મુકાઇ છે.


શીયા ગામના 41 વર્ષીય પરિણીતા અને તેમની 15 વર્ષીય દીકરી 3 દિવસ પહેલા પિયર જવા નીકળ્યા હતા. જોકે, બંનેની લાશ રહસ્યમય સંજોગોમાં ખેતરમાંથી મળી આવી છે. ભીલડી પોલીસે બંનેની ઓળખ કરી લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. જોકે, આ વિસ્તારમાં મૃતકોના કોઈ જ સગા સંબંધી ન હોવાથી બંને અહીં કેવી રીતે પહોંચ્યા તેને લઈ પોલીસ મુંજવણમાં મુકાઇ ગઈ છે. બંનેની તેમના આધારકાર્ડને આધારે ઓળખ થઈ હતી.

આ મૃતદેહ ગીતાબેન સરતનભાઇ રબારી (ઉ.વ. 41) અને તેમની પુત્રી મિનલબેન સરતનભાઇ રબારી (ઉ.વ. 15)ના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોના પરિવારજનોએ જણાવ્યું હતુ કે, ગીતાબેન અને પુત્રી મિનલબેન ત્રણ દિવસ અગાઉ ખેડબ્રહ્મા તેમના પિયરમાં જવાનું કહી નીકળ્યા હતા.