પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાથી મૃત્યુઆંક પણ વધુ છે. ગુજરાતમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 659 લોકોના મોત થયા છે. ગુજરાતમાં સૌથી વધુ મોત અમદાવાદમાં થયા છે. અન્ય જિલ્લાઓમાં મોતનો આંકડો ઓછો છે, ત્યારે પાટણ જિલ્લામાં આજે વધુ એક મોત નોંધાયું છે.


મળતી વિગતો પ્રમાણે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના 72 વર્ષના વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત થયું છે. ભીલવણના વૃદ્ધને ડાયલસીસ દરમ્યાન ચેપ લાગ્યો હતો. આજે સવારે મોત થયાની આરોગ્ય વિભાગે પુષ્ટી કરી છે. આમ, પાટણ જિલ્લામાં કુલ 3 મોત થયા છે.

જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 524 લોકોના મોત થયા છે. આ પછી સુરતમાં 51, વડોદરામાં 32, ગાંધીનગરમાં 6, ભાવનગરમાં 8, બનાસકાંઠામાં 4, આણંદમાં 8, રાજકોટમાં 2, અરવલ્લીમાં 2, મહેસાણામાં 3, પંચમહાલમાં 6, બોટાદમાં 1, મહીસાગરમાં 1, ખેડામાં 1, જામનગરમાં 2, ભરુચમાં 2, સાબરકાંઠામાં 2, કચ્છમાં એક અને વલસાડમાં એક મોત થયું છે.