મહેસાણાઃ જાણીતા યાત્રાધામ બહુચરાજી મંદિર સંકુલમાં જ હિન્દી ફિલ્મોના ગીતોના વીડિયો બનાવનારી કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીને ફરી સસ્પેન્ડ કરાઈ છે. પોલીસના ગણવેશમાં વીડિયો બનાવનાર મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીના વીડિયો વાયરલ થતાં તે ફરી એક વાર વિવાદમાં આવી હતી. આ મામલે બહુચરાજીના સરપંચ દ્વારા ફરિયાદ કરાતાં મહિલા પોલીસકર્મી અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરાઇ છે. રસપ્રદ વાત એ છે કે, અલ્પિતાએ પોતાના વીડિયોમાં ફિલ્મી ડાયલોગ ફટકાર્યો હતો કે, ‘કરને દો જો આપ કી બુરાઈ કરતે હૈં, ઐસી છોટી છોટી હરકતેં છોટે લોગ હી કિયા કરતે હૈં.. ’
અલ્પિતા ચૌધરીએ નોકરી દરમિયાન મંદિર પરિસરમાં ફિલ્મી ગીતો પર વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધા હતા. આ વીડિયો વાયરલ થતા મહેસાણા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક પગલાં ભરતા તેને સસ્પેન્ડ કરી છે. આ પહેલાં પણ ટીકટોક પર વીડિયો બનાવવા બદલ અલ્પિતા ચૌધરી સસ્પેન્ડ થઇ ચૂકી છે. આ પહેલાં અલ્પિતા ચૌધરીએ પોલીસ મથકમાં આ પ્રકારના વિડીયો બનાવી ટીકટોક પર વાયરલ કરતાં તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
મહેસાણા પોલીસ માં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીને કેટલાંક દિવસો અગાઉ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકવામાં આવી હતી. અલ્પિતાએ ચાલુ ફરજ દરમિયાન પોલીસ ગણવેશમાં સજ્જ થઈને હિન્દી ફિલ્મોના ગીતો ઉપર વીડિયો બનાવ્યાં હતાં. અલ્પિતાએ આ વીડિયો પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટમાં અપલોડ કરતાં વિવાદ સર્જાયો હતો. પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી આ મુદ્દે સોશિયલ મીડિયામાં લાઈવ થઈને પોતાનો લૂલો બચાવ કરીને ફરજ દરમિયાન વિડીયો બનાવ્યો ન હોવાનું જણાવ્યું હતું.
આ મામલે બેચરાજીના સરપંચે મહેસાણાના પોલીસ વડાને લેખિત રજૂઆત કરીને અલ્પિતા સામે પગલાં ભરવાની માંગ કરી હતી. આ મામલે નાયબ કલેક્ટરે પણ કહ્યું હતું કે, ઘટનાની તપાસ કરાવી નિયમોનું ઉલ્લંઘન થયેલું જણાશે તો ચોક્કસ કાર્યવાહી કરાશે અને લોકોની આસ્થા જળવાય તેનું પાલન થશે. મહેસાણા પોલીસ વડાએ તાત્કાલિક પગલાં ભરતા તેને સસ્પેન્ડ કરી છે. આ પહેલાં પણ ટીકટોક પર વીડિયો બનાવવા બદલ અલ્પિતા ચૌધરી સસ્પેન્ડ થઇ ચૂકી છે.