મહેસાણાઃ ગુજરાત ભાજપના સાંસદ પરબતભાઈ પટેલના કથિત સેક્સ વીડિયો કેસમાં પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે. આ પૈકી એક વ્યક્તિ આમ આદમી પાર્ટીના કાર્યકર મઘાભાઈ પટેલ છે.
બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલનો કથિત સેક્સ વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વિડિયો ખોટો હોવાનો અને ચેડાં કરીને બનાવીને સાંસદને બદનામ કરવાનું કાવતરૂં રચવામાં આવ્યું હોવાની ફરિયાદ પરબત પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શૈલેષભાઈએ ભાચર ગામના મઘાભાઈ અરજણભાઈ પટેલ અને પીલુડા ગામના મુકેશ લાખા રાજપૂત સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. થરાદ પોલીસે ફરીયાદના આધારે સોશિયલ મીડિયાના પીલુડા ગ્રૂપમાં વીડિયો વાયરલ કરનાર પીલુડા ગામના મુકેશ લાખા રાજપૂતની ધરપકડ કરી હતી. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાવાયેલા મઘાભાઈ અરજણભાઈ પટેલની વાવ પાસેથી ધરપકડ કરાઇ છે.
થરાદ ઇન્ચાર્જ ડીવાયએસપી પી.એસ.ચૌધરીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં એડિટીંગ કરી ખોટો વિડીયો વાયરલ કરાયો હોવાની ફરિયાદ છે. આ ગુનામાં આરોપીઓ ઉપર આઇપીસીની 389, 387, 385,500,501,505(1ઘ) 506(2)292, 120 (બી) અને આઈટીએકટ 67, 67(છ) વગેરે કલમો લગાવી કાર્યવાહી હાથ ધરી છે.
તેમણે ઉમેર્યું કે, આ ગુનાની તપાસ બનાસકાંઠા એલસીબી પોલીસને સોંપવામાં આવી છે અને વીડિયો તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આ કેસના મુખ્ય આરોપી ઉપરાંત તેની સાથે સંડોવાયેલા બીજા શખ્સોની તપાસ હાથ ધરી છે. આ અંગે ફરિયાદી શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વીડિયો એડિટિંગ કરેલો છે અને તેના બધા પુરાવા પોલીસ સમક્ષ રજૂ કર્યા છે.
સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે મારા પિતાજીનો જે કહેવાતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે અને એડિટિંગ કરેલો છે. આ વિેેડીયોના આધારે બ્લેમકેઈલિંગ કરીની મઘાભાઈ અરજણભાઇ પટેલે મારા પિતા પાસે પૈસાની માગણી પણ કરી હતી અને તેમને બદનામ કરવાનું કાવતરૂં છે.