Mehsana:  મહેસાણાની કડી માર્કેટ યાર્ડની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કડી માર્કેટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ખેડૂત વિભાગની તમામ 10 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો.  નોંધનીય છે કે ખેડૂત વિભાગની 10 બેઠક પર મંગળવાર રોજ મતદાન થયું હતું. કડી માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગની 10 બેઠક માટે 93 ટકા મતદાન થયું હતું.   


ભાજપની જીત પર નીતિન પટેલે કહ્યું હતુ કે કડી માર્કેટ યાર્ડમાં ભાજપનો વિજય થયો છે. મુખ્યમંત્રીએ પણ આપણું માર્ગદર્શન કર્યુ. કડીના ખેડૂતો, વેપારીઓ ભાજપને વરેલા છે. કડીમાં ભાજપ સિવાય કોઈનું ચાલવાનું નથી. વધુ દાવેદારો જોઈને કૉંગ્રેસવાળા ફોમમાં આવ્યા હતા.


 ખેડૂત વિભાગની યોજાયેલી તમામ 10 બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના બે ઉમેદવારનો પરાજય થયો હતો. અગાઉ પાંચ બેઠક બિનહરિફ થઈ હતી. ખેડૂત વિભાગમાં વિજેતા ઉમેદવારોમાં હિમાંશુભાઈ ખમારટ, શૈલેષ ઠાકોર, ગિરીશભાઈ પટેલ, ગોવિંદ પટેલ, ઘનશ્યામ પટેલ, જગદીશ પટેલ, જીતેન્દ્રકુમાર પટેલ, પ્રહલાદભાઈ પટેલ, શૈલેષકુમાર પટેલ અને સંદીપકુમાર પટેલનો સમાવેશ થાય છે.


ચૂંટણીમાં કુલ 25 ઉમેદવાર મેદાનમાં હતા. જેમાં ભાજપના 10 અને કૉંગ્રેસના બે ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે. કડી યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગની 4 અને ખરીદ-વેચાણ સંઘની એક મળી કુલ 5 બેઠક પર ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ થાય છે.


મહેસાણા કડી APMC ની ચૂંટણીમાં તાલુકાની કુલ 69 મંડળીઓના 789 મતદારો માંથી 728 મતદારોએ મતદાન કરતાં 93 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં કુલ 25 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. APMC ની ચુંટણીમાં અત્યાર સુધી વેપારી વિભાગની 4 અને ખરીદ સંઘના એક મળી ફૂલ 5 ઉમેદવારો બિનહરીફ થયાં છે.                  


અગાઉ ગઇકાલે ABP અસ્મિતા સાથેની વાતચીતમાં નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે  હું કડી માર્કેટ યાર્ડનો ચેરમેન નહી બનું આ પદ પર કોઈ ખેડૂત જ આવશે. નીતિન પટેલે કહ્યું કે, કડી ભાજપને કોઈની નજર લાગી છે. જેને લઈ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે હવે આ નજર ઉતારીશું.  તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કૉંગ્રેસના ઉમેદવારોનું નામોનિશાન નહીં રહે.કડી ભાજપનું સંગઠન એટલુ મજબુત કે કોઈ ફાવી ન શકે.