મહેસાણાઃ પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે રોડ પાસે આવેલા તળાવમાં યુવતી અને બે પુરુષ શિક્ષકના મોત થયા છે. શિક્ષકો મહેસાણાથી નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે પાંચોટ તળાવ પાસે કૂતરું વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો.




કૂતરાને બચાવવા જતાં કાર તળાવામાં ખાબકી હતી અને 3 શિક્ષકોના કાર સાથે તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જેસીબીની મદદથી કાર તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ પછી ગામના લોકો દ્વારા કારમાંથી ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ત્રણેયની લાશને મહેસાણા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઇ છે. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.