Hit And Run: મહેસાણા જીલ્લામાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં લગાતાર વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં બે અલગ અલગ હીટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત થયા છે. મહેસાણા જીલ્લાના રસ્તાઓ પર હિટ એન્ડ રનની ઘટનાઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે વિગતે વાત કરીએ તો મહેસાણાના ઘુમાસણ ગામનો અજય પટેલ ઉમર વર્ષ ૨૭ પગપાળા સંઘ લઇ ઉમિયા માતાજીના દર્શને જતો હતો ત્યારે મહેસાણા ઉંઝા રોડ પર રાતના એક વગ્યાના સુમારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને રોડ પર તડપતા તડપતા તેનું મોત થયું.
અજયના પરિવારમાં એક ભાઈ તેના માતાપિતા અને એક પત્ની છે. જોકે ઘરમાં કમાનાર આ એક જ યુવાન હતો ત્યારે તેની પત્ની પૂનમ પટેલ રડતા રડતા કહે છે કે અમારું કોણ ? મારા પતિને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ત્યાથી ચાલક નાસી ગયો. જો તેમને સમયસર સારવાર મળી હોત તો તેઓ બચી ગયા હોત. હવે અમારો સહારો કોણ ? મારા પતિએ લોકોની બહુ સેવા કરી પણ તેમને કોઈ સારવાર કરવા લઇ ન ગયા. યુવકના પિતા પણ રડતી આખોએ પોલીસ તંત્રને અપીલ કરે છે કે બેફામ વાહન ચલાવતા વાહન ચાલકો જરા ધ્યાન આપે કારણ કે આપની બેદરકારીથી કોઈનો પરિવાર વિખેરાઈ જાય છે.
મહેસાણા જીલ્લામાં બીજી હિટ એન્ડ રનની ઘટના બની મહેસાણા અમદાવાદ હાઇવે પર. મેવડ ગામના પાટિયા પાસે બોરીયાવી ગામના જેન્તીભાઈ મકવાણા ઉમર વર્ષ ૬૦ આમદાવાદ લગ્નમાં જવા નિકળ્યા હતા ત્યારે રોડ પર બસમાં બેસવા જતા હતા ત્યાં કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી જેમાં આ વૃધ્ધ ગંભીર રીતે ઘાયલ થયા અને સારવાર દરમિયાન મોત થયું. મહેસાણા જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં હીટ એન્ડ રનની બે ઘટના બની જેમાં બે લોકોના મોત થયા. મહેસાણા પોલીસ ભલે રોડ સેફટીના નામે લાખો રૂપિયાના દંડ વસુલે કે પછી જાહેરાત કરે પરતું મહેસાણા જીલ્લામાં રોજ હીટ એન્ડ રનની ઘટના બને છે અને પોલીસ માત્ર ગુનો નોધી રહી છે.
રાજકોટમાં રસ્તા પર ખાડામાં પડી જવાથી એકનું મોત
રાજકોટ: શહેરમાં જાણે કે, રસ્તામાં અને ખાડામાં મોત મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ખાડામાં પડી જવાથી હર્ષ ઠક્કર નામના યુવાનનું મોત નિપજ્યું છે. પરિવારના એકના એક આશાસ્પદ યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. તો બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ તંત્રની બેદરકારી જણાઈ રહી છે. બનાવ બન્યા બાદ મહાનગરપાલિકા દ્વારા બેરીકેટ મૂકવામાં આવ્યા હતા. આ ઘટના અંગે મનપા કમિશનરે કહ્યું કે, પહેલા રીબીન રાખવામાં આવી હતી.
એકના એક દીકરાનું ઘટના સ્થળે જ મોત
રાજકોટના રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે ઓવર બ્રિજ નજીક ગર્ડર લોન્ચિંગ માટે ઓવર બ્રિજ નિર્માણનું કામ કરનાર એજન્સી દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. ખાડાની ફરતે નિર્માણ કાર્ય કરનાર એજન્સી દ્વારા માત્ર પ્લાસ્ટિકની સેફટી રીલ લગાવવામાં આવી હતી. ખાડામાં કોઈ વ્યક્તિ કે પશુ ખાબકે નહીં તે માટે અન્ય કોઈપણ જાતના સેફટીના સંશોધનો લગાવવામાં નહોતા આવ્યા. ત્યારે આજરોજ હર્ષ અશ્વિનભાઈ ઠક્કર નામનો વ્યક્તિ પોતાની દુકાને જઈ રહ્યો હતો. આ સમયે તે પોતાના બાઈક સાથે ખાડામાં ખાબકતા ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. માથાના ભાગે બીજા પહોંચતા ઠક્કર પરિવારના એકના એક દીકરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૃતક ચશ્માની દુકાનમાં નોકરી કરતો હતો. તેમજ પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હતો. ત્યારે મૃતકની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. આશાસ્પદ યુવાનના મૃત્યુને લઈને પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. મૃતક હર્ષ અને એક બહેન છે અને હર્ષ પોતે ખાનગી ચશ્માના શો રૂમમાં નોકરી કરતો હતો. તો બીજી તરફ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અમિતા અરોરાનું પણ નિવેદન સામે આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, સમગ્ર બનાવ ખૂબ જ દુઃખદ છે. બનાવ અંગે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે સીટી એન્જિનિયરને ઘટના સ્થળની મુલાકાત લેવાનું પણ કહેવામાં આવી ચૂક્યું છે. પ્રાથમિક માહિતી અંતર્ગત ગર્ડર લોન્ચિંગ માટે એજન્સી દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. ખાડાની ફરતે સેફટી રીલ પણ લગાવવામાં આવી હતી. પરંતુ સેફટી રીલ પર્યાપ્ત હતી કે પછી અન્ય કોઈ સેફ્ટીના સંસાધનોની જરૂર હતી તે માટે તપાસ કરવામાં આવશે. તપાસના અંતે જો એજન્સીની બેદરકારી ખોલવા પામશે, તો તેના વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.