પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ગઢની યુવતીને નોકરીની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવકે યુવતીને દોઢ મહિના સુધી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીની મોટી બહેનને ખબર પડતા તેમણે અભયમ 181ની મદદથી બહેનને છોડાવી હતી. આ અંગે યુવતીએ ગઢ પોલીસ સ્ટેશનમાં બળાત્કારી યુવક અને મદદગારી કરનાર અન્ય 6 શખ્સો સહિત સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


આ અંગેની વિગતો એવી છે કે, ગઢની યુવતી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદના યુવકના પરિચયમાં આવી હતી. બે મહિના પહેલા સાંજના સમયે યુવક પોતાની કાર લઈને યુવતીના ઘરે આવ્યો હતો, તેમજ યુવતીને નોકરી આપવાનું કહી તેના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. ડોક્યુમેન્ટ મળ્યા પછી યુવકે અન્ય છ શખ્સોની મદદથી કારમાં યુવતીનું અપહરણ કરી લીધું હતું.

યુવતીનું અપહરણ કરીને તેને પહેલા વાગડોદ અને ત્યાંથી બોરસણ લઈ ગયા હતા. અહીં તેને એક દિવસ રાખી ઉંઝા લઈ ગયા હતા. અહીં તેને મારી નાંખવાની ધમકી આપી કાગળો પર સહી કરાવી લીધી હતી. આ પછી તેને ફરીથી વાગડોદ લઈ જઈ યુવકે રાત્રે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

અન્ય અપહરણકારોએ યુવતીને ધમકાવી હતી અને યુવક સાથે જ રહેવા અને તેના માતા-પિતાના ઘરે ન જવા જણાવ્યું હતું. યુવતીને વાગડોદ ખાતે દોઢ મહિનાના સમયમાં યુવકે અનેકવાર યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન તેની બહેને અભિયમ 181ની મદદથી દોઢ મહિના પછી અપહરણકારોની ચૂંગાલમાંથી યુવતીને છોડાવી હતી. ગઢ પોલીસે યુવક સહિત સાત સામે અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.