નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મોટો નિર્ણય લઈને સરકારી બેંકોના કર્મચારીઓને 15 ટકા પગાર વધારો આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત તેમને કામની ગુણવત્તાના આધારે પણ ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવશે. આ 15 ટકા પગાર વધારો પણ 2017ના નવેંબરથી લાગુ પાડવામાં આવશે. નવેંબર 2017થી આ વધારો લાગુ પડશે તેથી દરેક બેંક કર્મચારીને 33 મહિનાનું જંગી રકમનું એરિયર્સ પણ મળશે.

બેંક કર્મચારીઓના વિવિધ યુનિયનોની લાંબા સમયની માગણી હતી કે, બેંક કર્મચારીઓને પગાર વધારો ઘણા સમયથી મળ્યો નથી તો આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે. આ અંગે સતત સરકાર સાથે વાટાઘાટો ચાલુ હતી. બુધવારે બેંક કર્મચારીઓનાં વિવિધ યુનિયન્સ અને ઇન્ડિયન બેંક્સ એસોસિયેશને 11મા તબક્કાની વાટાઘાટો પૂરી કરી હતી અને એક સમજૂતી હેઠળ બેંક કર્મચારીઓને પંદર ટકા પગાર વધારો આપવાનું નક્કી થયું હતું.

આ પગાર વધારો આપવાના કારણે કુલ 7,988 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ બેંકો પર આવી પડશે. 0 2017ના માર્ચની 31મીથી એટલે કે 2017ના નવા નાણાંકીય વર્ષથી આ પગાર વધારો અમલી ગણાશે. છેલ્લે 2012માં બેંક કર્મચારીઓનો પગાર વધ્યો હતો. પાંચ વર્ષ પછી હવે 2017થી 2022 સુધીના પાંચ વર્ષ માટે આ 15 ટકાના પગાર વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેંક યુનિયન્સ દ્વારા 20 ટકાની માગણી કરવામાં આવી હતી જ્યારે ઇન્ડિયન બેંક્સ એસોસિયેશને સવા બાર ટકાની માગણી કરી હતી.

છેલ્લાં બે વર્ષથી બેંકોના સંચાલકો અને કર્મચારી સંઘો વચ્ચે સતત વાટાઘાટ થતી રહી હતી. બંને પક્ષો એ મુદ્દે રાજી થયા હતા કે હવે સરકારી બેંકોમાં પણ કાર્યક્ષમતાના આધારે ઇન્સેન્ટિવ ચૂકવવાની વાત સ્વીકારાઇ હતી. જો કે દરેક બેંક પોતાના નફાના આધારે આ ચૂકવણી કરશે.