Monsoon Arrival:દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં આકરી ગરમી યથાવત છે. ગરમી સામે ઝઝૂમી રહેલા ઉત્તર ભારત અને મધ્ય ભારત દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની રાહ જોઈ રહ્યી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ચોમાસું આગામી ત્રણથી ચાર દિવસમાં ઓડિશા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું બિહાર અને ઝારખંડમાં 16-18 જૂન સુધીમાં, ઉત્તર પ્રદેશમાં 20-30 જૂન સુધીમાં અને દિલ્હીમાં 27 જૂનની આસપાસ પહોંચવાની ધારણા છે, જે રાષ્ટ્રીય રાજધાનીની સામાન્ય શરૂઆતની તારીખ છે.


હવામાન ક્યાં કેવું રહેશે


ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં પણ તીવ્ર ગરમીની સ્થિતિ જોવા મળી છે. પશ્ચિમ ઝારખંડ, દક્ષિણ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ-દિલ્હી, પંજાબ, ઉત્તર રાજસ્થાનના ભાગોમાં મહત્તમ તાપમાન 45-47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું. ઉત્તર પ્રદેશના કાનપુરમાં સૌથી વધુ 47.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


IMD મુજબ  "બંગાળની ખાડીમાં ચોમાસું નબળું છે અને ત્યાંથી આગળ વધવાની રાહ જોવાઈ રહી છે." બુધવારે (12 જૂન), પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડના મોટાભાગના ભાગો, ઉત્તર રાજસ્થાનના ઘણા ભાગો, હિમાચલ પ્રદેશના કેટલાક ભાગો, દક્ષિણ બિહાર, ઉત્તર ઓડિશા અને ગંગા કાંઠાના વિસ્તારોમાં હિટવેવની (Heat wave)ની  સ્થિતિ યથાવત છે.   


કેવું રહેશે દિલ્હી અને યુપીમાં હવામાન?


પૂર્વ પૃથ્વી વિજ્ઞાન સચિવ માધવન રાજીવને કહ્યું કે સામાન્ય પ્રગતિ બાદ ચોમાસાનો ક્રમ ખોરવાઈ રહ્યો છે. રાજીવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, “આગામી 8-10 દિવસમાં વધુ પ્રગતિની અપેક્ષા નથી, તેથી ઉત્તર ભારતમાં તેના આગમનને લઇને  વિલંબ થઈ શકે છે. જેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં ભારે તાપમાન અને હીટ વેવની શક્યતા છે.


ઉત્તર ભારતમાં શા માટે ગરમી પડે છે?


હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનો બંગાળની ખાડી પર નબળા ચોમાસા પર પ્રભુત્વ ધરાવે છે. મધ્ય અને ઉત્તર ભારતના ભાગોમાં ગરમ ​​હવામાન પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યું છે.


ગુજરાતમાં ચોમાસાનું આગમન


ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઇ ચૂક્યું છે. ચોમાસાની એન્ટ્રી સાથે જ  ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસ્યો. ગઇ કાલે છેલ્લા 24 કલાકમાં 100 તાલુકામાં મધ્યમ વરસાદ વરસ્યો.  જો કે ચોમાસાના આગમન બાદ ચોમાસાની ગતિ ધીમી પડતાં ફરી રાજ્યમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.