Nagpur Socking Crime::મહારાષ્ટ્રના નાગપુરમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 22 વર્ષની મહિલા કૃષિ વૈજ્ઞાનિકે તેના વૈવાહિક સંબંધોમાં કડવાશથી કંટાળીને તેના પતિ સહિત 4 અન્ય લોકોની  નિર્દયતાથી હત્યા કરી નાખી. આ માટે તેણે પોતાના વૈજ્ઞાનિક શિક્ષણનો એવી રીતે દુરુપયોગ કર્યો કે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ જાય.


ગુનો કરવા માટે તેણે અત્યંત ઘાતક રસાયણ "થેલિયમ" નો ઉપયોગ કર્યો, જેને રસાયણશાસ્ત્રની ભાષામાં "ઝેરનું ઝેર" કહેવામાં આવે છે, જે રંગહીન, ગંધહીન અને સ્વાદહીન છે. પોલીસે ગુરુવારે (19 ઓક્ટોબર) આરોપી વૈજ્ઞાનિકની ધરપકડ કરી હતી. તેનું નામ સંઘમિત્રા છે. ગુનાને અંજામ આપવા માટે તેણીએ તેની સાથે તેના મિત્ર અને સંબંધી રોઝા રામટેકને પણ સામેલ કર્યા હતા. બંનેની ધરપકડ કરવામાં આવી છે.


વૈજ્ઞાનિકના પિતાએ આત્મહત્યા કરી લીધી હતી


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, તેના પતિ સાથેના લગ્નજીવનમાં મતભેદના કારણે સંઘમિત્રાના પિતાએ પાંચ મહિના પહેલા મહારાષ્ટ્રના અકોલા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી તે તેના પિતાના મૃત્યુ માટે તે તેમના સાસરિયાઓને જવાબદાર ઠેરવતી હતી. બદલો લેવા તેણે સાયન્ટિફિક રિસર્ચ કર્યું કે, ગુનો કરવા માટે કયા ઝેરનો ઉપયોગ કરવો જોઈએ જેથી સુરક્ષા એજન્સીઓને ખબર ન પડે.


અજ્ઞાત આદિવાસી ગામમાં પાંચ લોકોને આપ્યું ઝેર


બાદ મિત્ર રોઝાની મદદથી, મહારાષ્ટ્રના માઓવાદી પ્રભાવિત જિલ્લા ગઢચિરોલીના એક અજાણ્યા આદિવાસી ગામમાં, તેણે તેના પતિ અને ચાર લોકોનો એક પછી એક જીવલેણ ઝેરથી જીવ લીઘો. તેમણે આ પાંચેયને  કેમિકલ થેલિયમનું ઇન્જેક્શન આપ્યું. 20 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે તેના પતિ અને ચાર સાસરિયાઓના મૃત્યુનો સિલસિલો ચાલુ રહ્યો.


શરૂઆતમાં મૃત્યુના લક્ષણોથી તબીબો પણ ચોંકી ગયા હતા, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઝેરી કેમિકલની હાજરી બહાર આવ્યા બાદ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને થેલિયમ વિશે માહિતી મળી હતી. ગુનાને અંજામ આપવાની આ રીતથી પોલીસ પણ સ્તબ્ધ છે.


વૈજ્ઞાનિકે ગુનો કબૂલી લીધો છે


ગુરુવારે સઘન પોલીસ પૂછપરછ દરમિયાન સંઘમિત્રાએ ગુનો કબૂલી લીધો હતો. તેણે તેના પાર્ટનર રોઝાની સંડોવણીનો પર્દાફાશ કર્યો, ત્યારબાદ બંનેની ધરપકડ કરવામાં આવી અને હત્યા સહિત અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો.