Nitin Gadkari: ગઈકાલે જ મહારાષ્ટ્રમાં ફરી એકવાર ફોન કરી નેતાઓને હેરાન કરવાની ઘટના સામે હતી. જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. નાગપુર સ્થિત ઓફિસમાં લેન્ડલાઈન ફોન પર અજાણ્યા વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.


આ ઘટના બાદ નીતિન ગડકરીની ઓફિસ તરફથી નાગપુર પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. આ અંગે પોલીસના જણાવ્યા મુજબ, એક અજાણ્યા વ્યક્તિએ નાગપુર સ્થિત નીતિન ગડકરીની ઓફિસ પર ફોન કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે તેમની ઓફિસને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી. કેન્દ્રીય મંત્રીના કાર્યાલય તરફથી નાગપુર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે ત્યારબાદ નાગપુર પોલીસે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. 


શનિવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફોન કરીને મારી નાખવાની ધમકી આપનારની નાગપુર પોલીસે શોધ કરી છે. આ અંગે નાગપુર પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જેલમાંથી ધમકીઓ મળી રહી હતી. ફોન કરનાર આરોપી એક ગેંગસ્ટર તેમજ હત્યાના આરોપમાં જયેશ કાંથા કર્ણાટકની બેલાગવી જેલમાં બંધ છે.


આ ઉપરાંત કમિશ્નરે કહ્યું કે, જેલની અંદર ગેરકાયદેસર રીતે ફોનનો ઉપયોગ કરીને તેણે ગડકરીની ઓફિસમાં ધમકીભર્યા ફોન કર્યા હતા. જેલ પ્રશાસને આરોપી પાસેથી એક ડાયરી જપ્ત કરી છે, નાગપુર પોલીસની એક ટીમ તપાસ માટે બેલગાવી જવા રવાના થઈ ગઈ છે.


પોલીસ કમિશનર જણાવ્યુ કે, નાગપુર પોલીસે પ્રોડક્શન રિમાન્ડની માંગણી કરી છે. નીતિન ગડકરીને પ્રથમ સાત મિનિટમાં બે વાર ફોન કરવામાં આવ્યો હતો, પછી એક કલાક પછી ફરી એકવખત ધમકી આપતો ફોન આવ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાગપુરમાં ગડકરીની ઓફિસમાં સવારે 11.25, 11.32 અને 12.32 કલાકે ત્રણ ધમકીભર્યા કોલ મળ્યા હતા.


નાગપુરના ડીસીપીએ જણાવ્યું કે, નીતિન ગડકરીને ત્રણ ધમકીભર્યા ફોન આવ્યા પછી ગડકરીની હાલની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. તેમના કાર્યક્રમના સ્થળે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. એક પોલીસ અધિકારીના નિવેદન મુજબ, ગઈકાલે રાત્રે ફોન કરનારની ઓળખ થઈ ગઈ છે અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમને કર્ણાટક મોકલવામાં આવી છે.