નવી દિલ્લી: દેશની રાજધાની દિલ્હીમાં ઓલા કેબના ડ્રાઈવરે બેલ્જીયમની 23 વર્ષીય છોકરીની છેડતી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ બાદ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. ગાડીને પણ પોલીસ કબ્જે કરી લીધી છે. ઓલાના કહેવા પ્રમાણે, ડ્રાઈવર રાજ સિંહને નોકરી પરથી તાત્કાલિક અસરથી કાઢી મૂકવામાં આવ્યો છે.

પીડિતાના કહ્યા પ્રમાણે, તેણે શનિવારે રાત્રે ગુડગાંવથી કેબ બુક કરી હતી અને સીઆર પાર્ક પાસે ડ્રાઈવરે તેને જીપીએસ કામ નથી કરી રહ્યું હોવાની વાત કરી હતી.

ત્યારબાદ ડ્રાઈવરે રસ્તો બતાવવા માટે યુવતીને આગળની સીટ પર બેસવા જણાવ્યું અને પછી તેની સાથે ચેડાં કરવા લાગ્યો હતો.

બાદમાં લગભગ સાડા નવ વાગ્યે કેબ ડ્રાઈવર તેને સાડા નવ વાગ્યે ગોવિંદપુરી વિસ્તારમાં ઉતારીને ભાગી ગયો હતો.

યુવતીએ તેના મિત્રનાં ઘરે જણીને સંપૂર્ણ ઘટના જણાવી હતી અને રાત્રે 10 વાગ્યે પીડિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી..

મામલાની ફરિયાદ દાખલ કરતા પોલીસે કેબ ડ્રાઈવર રાજસિંહની ધરપકડ કરી છે અને કાર કબ્જે કરી છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આ ઘટના અંગે જણાવ્યું કે, મહિલાઓ સામે અત્યાચાર સહન ન કરવો જોઇએ.

ઓલાએ એક નિવેદન બહાર પાડી ડ્રાઈવરને નોકરી પરથી કાઢી મૂકવાની જાણકારી આપી છે.

ઓલાએ નિવેદનમાં લખ્યું છે કે, "આરોપી ડ્રાઈવર રાજ સિંહને તાત્કાલિક અસરથી નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો છે. અમે તમામ જરૂરી જાણકારીઓ અધિકારીઓ સાથે શેર કરીશું, જેનાથી કેસ ઉકેલવામાં મદદ મળે. અમારે ત્યા કામ કરનારા ડ્રાઈવરોનાં આવા વ્યવ્હારને અમ ક્યારેય નહીં સહન કરીએ."