Independence Day :સ્વતંત્રતા દિવસ (15 august) ના અવસર પર દિલ્હી અને પંજાબમાં આત્મઘાતી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર આ માહિતી ગુપ્તચર એજન્સીઓએ આપી છે. તેણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં એક્ટિવ આતંકવાદી જૂથના 2 થી 3 લોકો હુમલાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટની આસપાસ ભીડવાળી જગ્યાઓ પર ભ્રામક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)નો ઉપયોગ થઈ શકે છે.તેમણે કહ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલા અમુક નિર્ણયો અથવા પગલાંઓથી અસંતુષ્ટ તત્વો દ્વારા બદલો લેવાની સંભાવનાને કારણે પણ હુમલાનું જોખમ પણ વધી જાય છે.આતંકી સંગઠન હાઈપ્રોફાઈલ વ્યક્તિઓ, સંસ્થાઓ, ભીડભાડવાળી જગ્યાઓ અને વધુ ટ્રાફિક ધરાવતા સ્થળોને નિશાન બનાવી શકે છે.
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના કઠુઆ સરહદે પર હથિયારી ધારી કેટલાક શંકાસ્પદ લોકોની અવરજવર જોવા મળી હતી. આ શંકાસ્પદ લોકો પંજાબના પઠાણકોટ તરફ ગયા હતા. જેના કારણે ગુપ્તચર એજન્સીઓની શંકા વધુ વધી છે.આ સિવાય ઘાટીમાં રાજૌરી, ડોડા, કઠુઆ, પૂંછ અને ઉધમપુર જેવા વિસ્તારોમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓને લઈને પણ એજન્સીઓ સતર્ક છે.દિલ્હીમાં લાલ કિલ્લાની આસપાસ અને સમગ્ર રાજધાનીમાં સુરક્ષા દળો એલર્ટ પર છે.
ગુપ્તચર એજન્સીઓએ એમ પણ કહ્યું હતું કે, આ એલર્ટની માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવાની સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI લશ્કર-એ-તૈયબા, TRF અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને દરેક રીતે સમર્થન આપી રહી છે અને તેમને ભારતમાં હુમલા કરવા માટે ઉશ્કેરે છે. તેથી 15 ઓગસ્ટે કે તેની આસપાસના દિવસોમાં હુમલો આશંકા સેવાઇ રહી છે.
સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે
હુમલાની આશંકાને લઇને સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર મૂકી દીધી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે સ્વતંત્રતા દિવસ નજીક છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ સંભવિત હુમલાને નિષ્ફળ બનાવી શકાય.