અમદાવાદ: મહેસાણામાં પાટીદારોના જેલભરો આંદોલન દરમિયાન પાટીદારોએ પોલીસને ઉભી પૂંછડીએ ભગાડાયા પછી સ્થિતિ વણસતા મહેસાણામાં કરફ્યૂ લાદી દેવાયો છે. જેના લીધે હવે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદમાં પાટીદાર ટોળાઓએ વસ્ત્રાલ તથા નિકોલ વિસ્તારમાં તોડફોડ કરી છે. સાથે જ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં તોડફોડ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. છે. અમદાવાદમાં ફરીથી સ્થિતિ તંગ ન બને તેના ભાગરૂપે તાત્કાલિક ઘોરણે શહેરમાં AMTS બસ સેવા બંધ કરવામાં આવી છે.
મહેસાણામાં હાલ તાત્કાલિક 144ની કલમ લાગૂ કરી દેવાઈ છે. તેની સાથે જ ઈન્ટરનેટ સેવા પણ આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ સિવાય એસપીજી અને પાસ દ્ધારા મહેસાણામાં પોલીસ દમનના વિરોધમાં આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ગુજરાત બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે. મહેસાણામાં પાટીદારોએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો, જેમાં એસપીજીના આગેવાન લાલજી પટેલને ઇજા પહોંચી હતી. મહેસાણામાં હાલ મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. મહેસાણામાં આજે થયેલા પાટીદાર અનામત આંદોલનના પડઘા સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં ઘાટલોડિયા, બાપુનગર, વસ્ત્રાલ, નિકોલ સહિતના વિસ્તારોમાં પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદમાં ફરીથી સ્થિતિ તંગ ન બને તેના માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.