ગાંધીનગર: દેશમાં જ્યારે અનામાત પર ફરી ચર્ચાની માંગ અવારનવાર ઉઠે છે. ત્યારે ગુજરાતમાં દલિતો માટે ફાળવવામાં આવતા ફંડનો યોગ્ય ઉપયોગન નહી થતો હોવાનું સામે આવ્યું છે. દેશના આયોજન પંચની ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાતમાં દલિત સમાજના વિકાસ અને કલ્યાણ માટે અનુસૂચિત જાતિની 7 ટકાની વસતી પ્રમાણે પ્લાન્ડ બજેટમાંથી 7 ટકા જેટલું બજેટ દલિતોના વિકાસ અને કલ્યાણ માટે ફાળવવાનું હોય છે. પરંતુ ભાજપ સરકાર છેલ્લા 15 વર્ષોમાં તેમ કરવામાં નિષ્ફળ ગયેલી હોવાનું જાણવા મળે છે.


એટલુંજ નહીં છેલ્લા 15 વર્ષોમાં દલિતોના વિકાસ પાછળ બજેટમાં કરેલી જોગવાઈ મુજબ જે રકમ ફાળવી છે તેમાંથી પણ રૂ. 5 હજાર 548 કરોડ વપરાયા વિના રહ્યા હોવાનો ખુલાસો એક આરટીઆઈના જવાબમાં થયો છે. આરટીઆઈ કાર્યકર કિરીટ રાઠોડે માગ કરી છે કે આ વણવપરાયેલા રૂપિયાના ઉપયોગથી બાબા સાહેબની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવે. ગુજરાત સરકારે આરટીઆઈના જવાબમાં જણાવ્યું છે કે વર્ષ 2015-16ના રાજ્યના કુલ બજેટ સામે દલિતોના વિકાસ માટે ફાળવેલી રકમની જોગવાઈ 4.94 ટકા થાય છે.