મુંબઇઃ 'બાલિકાવધૂ'થી જાણીતી બનેલી પ્રત્યુષા બેનર્જીના સુસાઇડને લઇને રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. તેણીના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ પર પ્રત્યુષાને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે રાહુલને લઇને આજે એક નવો ખુલાસો થયો છે. મૂળ ગુજરાતી એવી હિર પટેલ અને કેશા ખંભાતિ સહિતની ત્રણ મહિલાઓએ રાહુલ પર લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો હતો.


અહેવાલો અનુસાર, પ્રોડક્શન હાઉસ ધરાવતી હિર પટેલે આરોપ લગાવ્યો હતો કે એવી ડઝનેક યુવતીઓ છે જે રાહુલનો શિકાર બની હશે. હિરના કહેવા પ્રમાણે, રાહુલની મોડસ ઓપરેન્ડી ખૂબ સામાન્ય હતી. પહેલા તે યુવતી સાથે મિત્રતા કરતો હતો બાદમાં તેને ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કામ અપાવવાનું વચન આપી તેની સાથે પ્રેમનું નાટક કરતો હતો. અંતમાં તે પીડિતાને લૂંટીને ભાગી જતો હતો.

હિરે દાવો કર્યો હતો કે, રાહુલે તેની સાથે 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. તે રાહુલને 2009માં મળી હતી. હિર પ્રોડ્યુસર અને એક્ટર તરીકે નામ કમાવવા માંગતી હતી. રાહુલે તેને ઇન્ડસ્ટ્રીઝમાં મદદ કરવાનું વચન આપ્યુ હતું. થોડા મહિના બાદ રાહુલે મને કહ્યુ હતું કે તે એક ફિલ્મ કરી રહ્યો છે. તેણે મને 25 લાખ રૂપિયા રોકવાનું કહ્યું. મે તેના પર વિશ્વાસ રાખી 2010માં 25 લાખ રૂપિયા તેના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. રૂપિયા ટ્રાન્સફર કર્યાના બેન્ક સ્ટેટમેન્ટ બતાવતા કહ્યું કે,  બાદમાં મે તેને રૂપિયા પાછા આપવાનું કહ્યુ તો તેણે મને કહ્યુ હતું કે તું ગમે તે કરી લે હું તને રૂપિયા પાછા આપીશ નહીં. બાદમાં હિર પટેલે પોતાના રૂપિયા પાછા લેવા અનેક પ્રયત્નો કર્યા હતા પણ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.

કેશા ખંભાતિએ રાહુલને એક પાર્ટીમાં મળી હતી. રાહુલે બાદમાં મિત્રતા વધારી તેની પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરતા કેશાએ તેને આપ્યા હતા. પણ રૂપિયા પાછા માંગતા રાહુલે બહાના શરૂ કરી દીધા હતા. કેશાએ કહ્યુ હતું કે, ગયા વર્ષે મે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પણ કંઇ પરિણામ આવ્યું નહી. મે અંધેરી કોર્ટમાં ગયા મહિને ફરિયાદ નોંધાવી હતી. આ કેસની સુનાવણી મે મહિનામાં થશે.