નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી દેશમાં ફરી લોકડાઉન લાદશે એવા અહેવાલોને સત્તાવાર રીતે સમર્થન નથી મળતું. મોદી સરકાર પહેલા જ પણ સ્પષ્ટતા કરી ચૂકી છે કે દેશમાંલોકડાઉન નહી લદાય. મોદી સરકારે રાજ્યોને પણ લોકડાઉન લાદતા પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ફરજિયાત કરી છે એ જોતાં લોકડાઉન લદાવાની કોઈ શક્યાત દેખાતી નથી પણ સોશિયલ મીડિયા પર આ અહેવાલો જોરશોરથી ફરી રહ્યા છે.

આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી શુક્રવારે કોવિડ-19ની સ્થિતિને લઇ ઓલ પાર્ટી મીટિંગ યોજશે. 4 ડિસેમ્બરે યોજાનારી આ બેઠકમાં રાજયસભા અને લોકસભાના નેતાઓ ભાગ લેશે. દેશમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. જોકે આ દરમિયાન તમિલનાડુએ કોરોનાને લગતાં નિયંત્રણો 30 ડિસેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી છે.



ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, તમિલનાડુ સરકારે કોવિડ-19 સંબંધિત નિયંત્રણ 30 ડિસેમ્બર સુધી લંબાવ્યા છે. UG ફાઇનલ વર્ષના ક્લાસ 7 ડિસેમ્બરથી શરૂ થશે. જ્યારે ચેન્નઈનો મરીના બીચ 14 ડિસેમ્બરથી ફરી ખૂલશે. લોકોને ક્ષમતાના 50 ટકા અથવા 200 લોકો સુધી એકત્ર થવાની મંજૂરી આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, તમિલનાડુમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 11,052 છે. 7,57,750 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 11,703 લોકોના કોરોનાથી મોત થયા છે.



દેશમાં આજે કોરોનાના 38,772 નવા કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 94,31,692 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 443 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,139 પર પહોંચ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 4,46,952 છે અને 88,47,600 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે.