નવી દિલ્લીઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિતના કોરોનાગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને કોરોનાના કેસો અને તેની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. દરમિયાન તેમણે ગુજરાતને કોરોનાને લઈને ટકોર કરી હતી અને ટેસ્ટિંગ વધારવા માટે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં ટેસ્ટિંગ રેટ ઓછો છે અને પોઝિટિવ રેટ વધુ છે, ત્યાં ટેસ્ટિંગનું પ્રમાણ વધારવાની જરૂરિયાત સામે આવી છે. ખાસ, બિહાર, ગુજરાત, યુપી, પ.બંગાળ અને તેલંગાણામાં ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. કોરોના સામેની લડાઇમાં કન્ટેઇન્મેન્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સર્વેલન્સ સૌથી મહત્વના હથિયાર છે. હવે લોકો પણ આને સમજે છે. લોકો પૂરો સહયોગ પણ કરી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, એક્સપર્ટ કહી રહ્યા છે કે, શરૂઆતના 72 કલાકમાં આપણે કોરોનાના દર્દીની ઓળખ કરી લઈએ તો આ સંક્રમણની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. તેમણે 72 કલાકમાં કોરોના સંક્રમિત વ્યક્તિની આસપાસના લોકોનું ટેસ્ટિંગ કરવા પર ભાર મુક્યો હતો. 72 કલાકની ફોર્મ્યુલા પર તેમને ખૂબ ભાર મૂક્યો હતો.

મોદીએ જણાવ્યું હતું કે, 10 રાજ્યમાં કોરોનાના 80 ટકા કેસ છે. તેમણે બિહાર, ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં કોરોનાના ટેસ્ટ વધારવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જેમ જેમ ટેસ્ટીંગ વધારવામાં આવશે તેમ તેમ કોરોના પર વધુ કાબૂ મેળવી શકાશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,17,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે 100 ટકા સ્ક્રીનિંગ કરવા પર ભાર મુક્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આપણે જો સાથે મળીને આ દસ રાજ્યોમાં કોરોનાને હરાવી દઇએ છીએ, તો દેશ પણ જીતી જશે. સાથીઓ ટેસ્ટિંગની સંખ્યા વધીને દરરોજ સાત લાખ સુધી પહોંચી ચૂકી છે. તેમજ હજુ પણ આ સંખ્યા વધી રહી છે. તેનાથી સંક્રમણને ઓળખવામાં અને રોકવામાં જે મદદ મળી રહી છે, તેના આજે આપણે પરિણામ જોઈ રહ્યા છીએ. આપણે ત્યાં એવરેજ મૃત્યુઆંક ઘટી રહ્યો છે. રિકવરી રેટ સતત વધી રહ્યો છે. જેથી એવું લાગે છે કે આપણા પ્રયાસો કામ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, સૌથી મહત્વની વાત એ છે કે, આને કારણે લોકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેમજ ડર પણ ઘટ્યો છે. અમે મૃત્યુદરનું પ્રમાણે એક ટકાથી પણ ઓછું રાખવાનો જે લક્ષ્ય રાખ્યો છે, તે આપણે થોડો વધુ પ્રયાસ કરીશું તો તે પણ પ્રાપ્ત કરી શકાશે.