કોંગ્રેસને ફરીથી પાટા પર લાવવા માટે સોનિયા ગાંધીએ આજે શનિવારે બપોરે પાર્ટીની એક તાત્કાલિક બેઠક બોલાવી હતી. 10 જનપથ સ્થિત સોનિયા ગાંધીના ઘર પર બપોરે 12 વાગ્યે આ બેઠક શરુ થઈ હતી. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી હાજર નથી રહ્યા પરંતુ રાહુલ ગાંધી આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં પ્રશાંત કિશોરને પણ બોલાવામાં આવ્યા છે. આ મિટીંગમાં મલ્લિકાર્જૂન ખડગે, એકે એંટની, અંબિકા સોની, જયરામ રમેશ, મુકુલ વાસનિક, દિગ્વિજય સિંહ અને અજય માકન જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.


ગુજરાતની વિધાનસભ ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીઃ
કોંગ્રેસનું પ્રદર્શન સતત ખરાબ થયુ છે. છેલ્લા મહિને 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પરિણામ ખૂબ જ ખરાબ રહ્યું હતું. જણાવામાં આવી રહ્યું છે કે, આજે બોલાવામાં આવેલી તાત્કાલિક મિટીંગ પાર્ટીને ફરીથી મજબૂત કરવા માટે અને જનાધારને પાછો લાવવા માટે બોલાવાઈ છે. આ બેઠકમાં મહત્વના વ્યક્તિ જેમણે બધાનું ધ્યાન ખેંચ્યુ છે તે છે પ્રશાંત કિશોર. કોંગ્રેસ પાર્ટીમાં પ્રશાંત કિશોર ફરીથી પરત ફરી શકે છે. પાર્ટીમાં મોટા સ્તર પર બદલાવની ચર્ચા પણ થઈ રહી છે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીને લઈને પણ પ્રશાંત કિશોરની બેઠકમાં હાજરી મહત્વની મનાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારુ રહે. 


આ મિટીંગ બાદ કે.સી વેણુગોપાલે નિવેદન આપ્યું હતું કે, આ મિટીંગમાં પ્રશાંત કિશોરે કોંગ્રેસ અધ્યક્ષા સામે 2024ની લોકસભા ચૂંટણી અંગે પ્રેઝેન્ટેશન રજૂ કરીને પોતાના વિચારો જણાવ્યા હતા. પ્રશાંત કિશોરના આ પ્રેઝેન્ટેશન અંગે કોંગ્રેસ વિચાર કરશે.






કોંગ્રેસમાં જોડાઈ શકે છે પ્રશાંત કિશોરઃ
આ બધાની વચ્ચે ચર્ચા એ પણ થઈ રહી છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસ જોઈન કરી શકે છે. આવનારા થોડા દિવસમાં જ પ્રશાંત કિશોરને કોંગ્રેસનું સભ્યપદ અપાઈ શકે છે. પ્રશાંત કિશોરને પાર્ટીમાં મોટી જવાબદારી પણ મળી શકે છે. મળતી માહિતી પ્રમાણે પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટી સાથે લાંબા સમયથી વાતચીત કરી રહ્યા છે અને પાર્ટીના હાઈકમાન્ડને ઘણી સુચનાઓ પણ આપી છે.