કાશ્મીરી પંડિતોના દર્દને વર્ણવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ બનાવી રહી છે. સાથે જ કોંગ્રેસ અને કેટલીક પાર્ટીઓ પણ તેનો વિરોધ કરી રહી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ આ ફિલ્મને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે.


શું કહ્યું મહેબુબા મુફ્તીએઃ


મહેબુબા મુફ્તીએ ટ્વીટમાં લખ્યું કે, જે રીતે ભારત સરકાર કાશ્મીર ફાઇલ ફિલ્મને પ્રમોટ કરી રહી છે અને કાશ્મીરી પંડિતોના દર્દને હથિયાર બનાવી રહી છે, તેનાથી તેમના ખરાબ ઈરાદાઓ સામે આવી ગયા છે. જૂના ઘા પર મલમ લગાડીને બે સમુદાયો વચ્ચે વધુ સારું વાતાવરણ ઊભું કરવાને બદલે, તે (કેન્દ્ર સરકાર) તેમને અલગ કરી રહી છે. 






બોલિવૂડની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ અત્યારે સર્વત્ર છવાયેલી છે. અનુપમ ખેરે ફરી એકવાર પોતાના અભિનયથી બધાને દિવાના બનાવી દીધા છે. કાશ્મીર ફાઇલ્સ કાશ્મીરી પંડિતોની હૃદયસ્પર્શી વાર્તા દર્શાવે છે. જેને જોઈને દરેક લોકો ભાવુક થઈ રહ્યા છે. દરેક લોકો આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. પીએમ મોદીથી લઈને સામાન્ય માણસ સુધી બધાએ કાશ્મીર ફાઇલના વખાણ કર્યા છે.


ફિલ્મની રેકોર્ડ બ્રેકિંગ કમાણીઃ
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. પાંચમા દિવસે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જાહેર કરાયું હતું. જે બાદ આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે. કાશ્મીર ફાઇલ્સે કોરોના મહામારી વચ્ચે રીલીઝ થયેલી ફિલ્મોના રેકોર્ડ જોઈએ તો રીલીઝ પછીના પાંચમા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સ બની છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે જણાવ્યું છે. પાંચમા દિવસે બોક્સ ઓફિસ કલેક્શનમાં કાશ્મીર ફાઇલ્સે સૂર્યવંશી, ગંગુબાઈ કાઠિયાવાડી, 83 જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.


પાંચમા દિવસે 18 કરોડની કમાણી કરીઃ
કાશ્મીર ફાઇલ્સે પાંચમા દિવસે 18 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે તાનાજી અને ઉરીને પણ પાછળ છોડી દીધી છે. આ બંને ફિલ્મોએ પાંચમા દિવસે પણ 18 કરોડથી ઓછો બિઝનેસ કર્યો હતો. તાનાજીએ 15.28 કરોડનો બિઝનેસ કર્યો હતો અને ઉરીએ 9.57 કરોડનો બિઝનેસ કર્યો હતો.