પંજાબમાં શાનદાર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીએ કામ કરવાનું શરુ કરી દીધું છે. આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર મંત્રીમંડળના ગઠન બાદ એક્શન મોડમાં દેખાઈ રહી છે. શપથ લીધાના ગણતરીના દિવસોમાં ભગવંત માન સરકારે જનહિતમાં નિર્ણયો લેવાના પણ શરુ કરી દીધા છે જેમાં 25 હજાર નોકરીઓ, એન્ટી કરપ્શન હેલ્પલાઈન જેવા મહત્વના નિર્ણયો પણ લીધા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર છે. આ સાથે અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આવનારા વર્ષે થનારી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી લડવાનું આયોજન પણ આપ પાર્ટી કરી રહી છે.


ભગવંત માનની પ્રસંશાઃ
આ બધાની વચ્ચે આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના ધારાસભ્યો સાતે વર્ચ્યુલ બેઠક કરી હતી. આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને AAPના નેતા રાઘવ ચડ્ડા પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં કેજરીવાલે ભગવંત માનના કામની પ્રસંશા કરી અને કહ્યું કે, ભગવંત માને 16 તારીખે શપથ લીધી અને 3 દિવસમાં જ લોકોનાં કામો કરીને બતાવ્યાં છે. જૂના મંત્રીઓની સુરક્ષા હટાવીને તેના જવાનોને લોકોની સુરક્ષામાં ગોઠવ્યા છે. ઓક્ટોમ્બરમાં ખરાબ થયેલ પાક નુકસાનની સહાય પણ જિલ્લાઓ સુધી પહોંચી ચુકી છે અને 3-4 દિવસમાં સહાયના ચેક ખેડૂતોને મળી જશે. 


કેજરીવાલે ભાજપ પર સાધ્યું નિશાનઃ
પંજાબના ધારાસભ્યોની બેઠકમાં કેજરીવાલે ભાજપ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, એક તરફ ભગવંત માને શપથ પણ લઈ લીધી છે અને કામ કરવાનું પણ શરુ કરી દીધું છે. ત્યારે બીજી તરફ ભાજપાએ 4 રાજ્યોમાં ચૂંટણી જીતી છે ત્યારે તેઓ હજી સુધી સરકાર પણ નથી બનાવી શક્યા. હજી તેમના પક્ષમાં સરકાર બનાવવા અંગે લડાઈ-ઝગડા થઈ રહ્યા છે.