સૌરાષ્ટ્રમાં ભાજપના ક્યા નેતાએ પીએસઆઈ પર કાર ચડાવી કચડીને મારી નાંખવા કર્યો પ્રયાસ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 May 2020 09:36 AM (IST)
કડિયાણા ગામના અશોકસિંહ જાડેજાએ હળવદ પીઆઈ પર ચાલુ ફરજે ગાળો ભાંડી કાર ચડાવી કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.
મોરબીઃ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ ખાંભલા પર કાર ચડાવી કચડી નાખવાનો પ્રયાસ થયો છે. ભાજપના કાર્યકર સાથે પોલીસને માથાકુટ થઇ હતી. આ માથાકુટનુ મનદુઃખ રાખી હળવદ ભાજપના નેતાએ જ પીઆઈને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. હળવદ સરા ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. કડિયાણા ગામના અશોકસિંહ જાડેજાએ હળવદ પીઆઈ પર ચાલુ ફરજે ગાળો ભાંડી કાર ચડાવી કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. હવે હું જોઉ છું હળવદ પોલીસ સ્ટેશનમાં કેમ નોકરી કરશો, એમ કહી પીઆઈને ધક્કો મારી નીચે પછાડીને કાર માથે નાખી. સદનસીબે પીઆઈ સાંદીપ ખાંભલાનો બચાવ થયો હતો. બનાવની જાણ થતા ડીવાયએસપી, મોરબી એસ.ઓ.જી, એલ.સી.બી. સહિતનો પોલીસ કાફલો હળવદ દોડી ગયો હતો. આરોપી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તેમજ ફરજ રુકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.